ભાવનગરના ભડભડ ટોલનાકા નજીક કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ત્રણ લોકોના મોત
ઓવરસ્પીડના કારણે કાળ ભેટયો : પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાવનગર-ધોલેરા માર્ગ પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક મોડી રાત્રે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ફોરવ્હીલર ગાડીમાં સવાર 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કાર કન્ટેરમાં ઘૂસતાં પડીકું વળી ગઈ હતી. ત્રણેયની લાશને પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભડભીડ ટોલનાકાથી આશરે 1 કિલોમીટર દૂર 3 નંબરની ખાડી પાસે આ અકસ્માત થયો હતો. ઓવરસ્પીડમાં જઈ રહેલી એક ફોરવ્હીલર ગાડી આગળ દોડતા કન્ટેનરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાડીમાં સવાર ત્રણેય લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત-બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મૃતકોની યાદી
- વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા
- બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા
- ઈમ્તિયાઝ મલેક


