ગોંડલમાં ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં આધેડનો આપઘાત
વતન જવાના દિવસે જ ભરેલું પગલુ
અગ્ર ગુજરાત, ગોંડલ
શહેરના ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા 27 વર્ષથી અહીં રહેતા અને જુના માર્કેટિંગ યાર્ડમાં એક કામ કરતા એક પ્રોઢે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. નવાઈની વાત એ છે કે, જે દિવસે તેઓ પોતાના વતન ઓરિસ્સા જવા રવાના થવાના હતા, તે જ દિવસે આ આત્મઘાતી પગલું ભરતા ચકચાર મચી ગઈ છે.
મૂળ ઓરિસ્સાના બાલેશ્વર ગામના વતની અને હાલ ગોંડલ ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં રહેતા શંકરભાઈ સનાતનભાઈ આચાર્ય (ઉં.વ. આશરે 48) એ પોતાની ઓરડીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
મૃતક શંકરભાઈ છેલ્લા 25 વર્ષથી ગોંડલ જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલી પાનની હોલસેલ દુકાનમાં મજૂરી કામ કરતા હતા. તેમનો પરિવાર (પત્ની, એક દીકરો અને એક દીકરી) વતન ઓરિસ્સામાં રહે છે. તેઓ અહીં એકલવાયું જીવન જીવતા હતા.
મળતી માહિતી મુજબ, શંકરભાઈ આજે બપોરે ટ્રેન દ્વારા પોતાના વતન ઓરિસ્સા જવાના હતા. ઘરે જવાની ખુશીને બદલે તેમણે મોતને વહાલું કરતા અનેક સવાલો ઊભા થયા છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ થતા જ ગોંડલ એ-ડિવિઝન પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા પંચનામું કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મૃતદેહને પીએમ (Post-Mortem) અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે તપાસ હાથ ધરી છે કે આખરે કયા કારણોસર શંકરભાઈએ વતન જતી વખતે આ અંતિમ પગલું ભર્યું હશે.


