વેરાવળમાં બાઈક ચાલકે ઠોકરે લેતા રાહદારી વૃદ્ધનું સિવિલમાં સારવાર દરમિયાન મોત
મૃતક દવા – શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે બનાવ બન્યો : પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, રાજકોટ
વેરાવળમાં બાઈક ચાલકે ઠોકરે લેતા રાહદારી વૃદ્ધ કાનજીભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. મૃતક દવા અને શાકભાજી લેવા માટે બજારમાં ગયા હતા ત્યારે બનાવ બન્યો હતો. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. જેથી પરિવારમાં શોક છવાયો હતો.
મળતી વિગત અનુસાર, કાનજીભાઈ રામજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 75, રહે.હુડકો સોસાયટી, ગાયત્રી ડેરી પાસે, વેરાવળ સોમનાથ) ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ વેરાવળમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે મોચી નગર પ્રકાશ બેકરી સામે પુરપાટ ઝડપે આવેલા બાઈક ચાલકે કાનજીભાઈને હડફેટે લીધા હતા. વૃદ્ધ રોડ પર ફંગોળાયા હતા. માથામાં ગંભીર ઈજા થઈ હતી.
તેમને તત્કાલ વેરાવળ સિવિલ હોસ્પિટલ બાદ અંબુજા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી જૂનાગઢની ખાનગી હોસ્પિટલ બાદ જૂનાગઢ સિવિલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં રીફર કરાયા હતા. અહીં આજે વહેલી તેમનું મોટા નીપજ્યું હતું.
મૃતક કાનજીભાઈ પહેલા વાળંદકામ કરતા, હાલ નિવૃત હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 3 દીકરી છે. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં મોટા હતા. ગઈકાલે તેમની તબિયત થોડી નાદુરસ્ત હોવાથી દવા લેવા નજીકની ક્લિનિકમાં ગયા હતા,
પરત ઘરે આવતી વખતે શાકભાજી પણ લીધા હતા અને તેઓ ઘરે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વેરાવળ પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. ઘરના મોભીના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.


