રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો
કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નં.૧૫માં પેનલ તોડવામાં ભાજપને સફળતા : લડાયક નેતા તરીકે છાપ ધરાવતાં કોંગ્રેસના વશરામ સાગઠીયાનો પરાજય
વોર્ડ નં.3ના ઉમેદવારો મત મેળવવામાં ટોચ પર, ૨૦ હજારથી વધુ મત મેળવ્યા
વોર્ડ નં.૧૬માં ભાજપને પરાજય : ડિમોલેશન નડી ગયું હોવાની શહેરભરમાં ચર્ચા
રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભગવો લહેરાયો : આપે ખાતુ ખોલ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા સહિત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનું આજે રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે પોતાનું શાસન કાયમ રાખ્યું છે. પરંતુ વોર્ડ નં.૧૬ ગુમાવ્યો છે. જયારે વોર્ડ નં.૧પમાં પેનલ તોડવામાં સફળતા મળી છે. જેમાં કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવાર વશરામભાઇ સાગઠીયાની હાર થઇ હતી. ઉપરાંત રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. પરંતુ ઘણી બેઠકો ગુમાવી પણ છે. જયારે આમ આદમી પાર્ટીએ રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે. કુંવરજીભાઇના ગઢ ગણાતા આટકોટમાં અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો ગઢ ગણાતા ગોંડલના મોવિયા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકમાં આપનો વિજય થયો છે.
રાજકોટ મહાપાલિકાના ૧ થી ૧૪ વોર્ડ અને ૧૭, ૧૮ નંબરના વોર્ડમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. અંતિમ ઘડીમાં ટિકિટ મેળવનાર વોર્ડ નં.૭ના ઉમેદવાર ડો.નેહલ શુકલ સહિતની આખી પેનલ જીતી ગઇ હતી. જો કે તમામ વોર્ડમાં પેનલનો જ ભવ્ય વિજય થયો છે. જયારે વોર્ડ નં.3ના તમામ ઉમેદવારોને ૨૦ હજારથી વધારે મત મળ્યા હતા. ઉપરાંત વોર્ડ નં.૧૦માં ભાજપ બેઠક ગુમાવશે તેવી ચર્ચાએ પણ જોર પકડયું હતું. જે ગણિત પણ ઊંધુ વળી જતાં આખી પેનલનો વિજય થયો હતો. વોર્ડ નં.૧૫ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ગત ટર્મમાં ભાજપે તમામ વોર્ડમાં વિજય મેળવ્યો હતો અને વોર્ડ નં.૧૫માં હારનો સામનો કરવો પડયો હતો. આ વખતે ભાજપ કોંગ્રેસની પેનલ તોડવામાં સફળ થઇ હતી અને સૌથી વધુ મજબૂત ગણાતા અને લડાયક નેતાની છાપ ધરાવતા વશરામભાઇ સાગઠીયાને હરાવી મનપામાં ટક્કર આપે તેવા નેતાને ઘરે બેસાડી દીધા છે. જયારે કોંગ્રેસના અન્ય ઉમેદવારો મકબૂલ દાઉદાણી, મનીષાબેન, સુધાબા વિજય થયા હતાં. મનાપામાં ભવ્ય જીત થતાં ચૂંટાયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજેતાઓને ખંભે ઊંચકી અને ફુલહાર કરી ઢોલ-નગારા, નાચગાન સાથે ઉજવણી કરી હતી. શહેરના રસ્તાઓ પર વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતાં.


