પુરુષોત્તમ માસમાં બ્રહ્માકુમારી સંસ્થાના પવિત્ર કાર્યક્રમથી આધ્યાત્મિક માહોલ સર્જાયો
રાજકોટ વિધાનસભા-68ના વોર્ડ નં. 6 વિસ્તારમાં નવનિયુક્ત કોર્પોરેટરોનું સન્માન, પાંચ શક્તિશાળી સંકલ્પો દ્વારા જનજાગૃતિનો સંદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વિધાનસભા વિસ્તાર-68ના વોર્ડ નં. 6 વિસ્તારમાં પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક અને સંસ્કારસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સિનિયર દીદી દ્વારા ઉપસ્થિત લોકોને પાંચ શક્તિશાળી સંકલ્પો અપાઈ આધ્યાત્મિક જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ પવિત્ર પ્રવચન દ્વારા જીવનમાં સકારાત્મકતા, શાંતિ અને સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાજેતરમાં ચૂંટાયેલા કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઓમ શાંતિના સંદેશ સાથે શિવના પૂર્ણ દર્શન કરાવનાર પુરુષાર્થ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ રાઠોડનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અવસરે કોર્પોરેટર શ્રી પરેશભાઈ પીપળીયા, શ્રી અનિલભાઈ ચૌહાણ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન એન. પરમાર, શ્રીમતી પુનમબેન મોરવાડિયા તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી દલસુખભાઈ જાગાણીએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તમામ મહાનુભાવોએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત આવા પવિત્ર કાર્યક્રમો સમાજમાં તન, મન, ધન અને જન વિષયક જાગૃતિ ફેલાવી રહ્યા છે. સાથે જ સનાતન ધર્મના સારા વિચારો અને આધ્યાત્મિક મૂલ્યોને લોકો સુધી પહોંચાડવામાં સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમ અંતે સૌએ સમાજમાં શાંતિ, એકતા અને સંસ્કારના સંદેશને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


