વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન અરજી કરતા ખુલાસો, પરિવાર-જ્ઞાતિ અગ્રણીઓએ નોંધણી પ્રક્રિયા અટકાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વધુ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના ઓમનગર સર્કલ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય હિન્દુ યુવતી અને વિધર્મી યુવક વચ્ચે થયેલા સંબંધને લઈને પરિવારજનો તેમજ જ્ઞાતિ અગ્રણીઓએ વાંધો ઉઠાવતા સમગ્ર પ્રકરણ ગરમાયું છે. હાલમાં યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પરિવાર દ્વારા પુત્રીને પરત સોંપવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતી અને અફઝલ દલ નામના વિધર્મી યુવક વચ્ચેનો પરિચય શહેરના બિગ બઝારમાં સાથે નોકરી દરમિયાન થયો હતો. નોકરી દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હોવાનું કહેવાય છે. બંનેએ પોતાના સંબંધને કાનૂની માન્યતા આપવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે અરજી કરી હતી. આ અરજીની જાણ થતા યુવતીના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.
પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો તાત્કાલિક સક્રિય બન્યા હતા અને યુવતી સાથે ચર્ચા કરી હતી. પરિવારનું કહેવું છે કે યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી છે અને તે દબાણ હેઠળ નિર્ણય લઈ રહી છે. બીજી તરફ યુવતી પરિવાર પાસે પરત જવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ પોતે સ્વેચ્છાએ નિર્ણય લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર મામલો બહાર આવતા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃ શક્તિ પાંખના આગેવાનો પણ સક્રિય બન્યા હતા. આગેવાનોએ યુવતીના પરિવારને સમર્થન આપતા વિધર્મી યુવક અફઝલ દલ સાથે લગ્ન ન કરાવવા માંગ ઉઠાવી હતી. તેઓએ આ મામલે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય તપાસ કરવાની પણ માંગણી કરી હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન યુવતીને સુરક્ષા અને કાઉન્સેલિંગ માટે નારી સુરક્ષા ગૃહમાં ખસેડવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. પરિવાર દ્વારા યુવતીને પોતાના સંરક્ષણમાં પરત સોંપવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. જોકે યુવતી હાલ પોતાના નિર્ણય પર અડગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ પરિવાર અને સમાજના લોકો યુવતીને સમજાવી ઘરે પરત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ યુવતી પોતાના પસંદગીના જીવનસાથી સાથે જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરી રહી હોવાનું જાણવા મળે છે. હાલ સમગ્ર મામલે કાનૂની પ્રક્રિયા અને પરિવારજનો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.


