ચૂંટણી અનુસંધાને ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર 1800-233-0322 જાહેર
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અનુસંધાને હાલ તુરંત ચૂંટણી લક્ષી ૯ ફરિયાદો મળી ચુકી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ટોલ ફ્રી નંબર જાહેર કરી લોકોને ચૂંટણીલક્ષી કોઇપણ ગેરરીતિ અંગે તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ જિલ્લામાં ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર 1800-233-0322 કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ પણ ચાલુ કરી દેવામાં આવી છે. આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર 100 મિનિટમાં જ નિરાકરણ કરવામાં આવે છે. ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં 9 ફરિયાદનો નિકાલ કરાયો છે. જેમાં મોટાભાગની ફરિયાદ બેનરો દૂર કરવા અંગેની હતી. આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ પર કોઈ પણ નાગરિક 24 કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી શકે છે.
નાગરિકો આચારસંહિતા ભંગની ફરિયાદ સી-વિજિલ મોબાઈલ એપ પર નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈ પણ સ્વરૂપે નોંધાવી શકાય છે. ચાર તબક્કામાં આ ફરિયાદનું નિવારણ થાય છે. જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે સોફ્ટવેરમાં તેનું લોકેશન ડિટેક્ટ થાય છે અને આ ફરિયાદની નોંધ થાય છે. આ લોકેશન તેમજ ફરિયાદની વિગતો પાંચ જ 2 મિનિટમાં ફ્લાઈંગ સ્ક્વોડને મોકલી દેવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ 15 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને બેનર વગેરે દૂર કરવાની કે જરૂરી એક્શન લે છે. પછી 3૦ જ મિનિટમાં ફરિયાદ નિવારણનો રિપોર્ટ રિટર્નિંગ ઓફિસર કે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. રિટર્નિંગ ઓફિસર કે આસિ.રિટર્નિંગ ઓફિસર ૫૦ મિનિટમાં આ ફરિયાદ કલોઝ કરે છે.


