અંબાલાલ પટેલ સામે કેસ થશે તો હું કાનૂની લડત લડીશ : પરસોત્તમ પીપળીયા
હવામાન નિષ્ણાંત અને વિજ્ઞાન જાથા વચ્ચેના વિવાદમાં અંબાલાલ પટેલને સમર્થન કરતા ધારાશાસ્ત્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા વચ્ચે વરસાદની આગાહીને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. આ દરમિયાન રાજકોટના પાટીદાર અગ્રણી અને વકીલ પુરુષોત્તમ પીપળીયાએ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો અંબાલાલ પટેલ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ તેમની કાનૂની લડત લડશે અને તેનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.
પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે અંબાલાલ પટેલ વર્ષોથી ખેડૂતોના હિતમાં હવામાન અંગે આગાહી કરતા આવ્યા છે અને તેમની આગાહીઓનો સફળતાનો દર પણ સારો રહ્યો છે. તેમણે કહ્યું, “જયંત પંડ્યા અંધશ્રદ્ધા વિરુદ્ધ કામ કરે છે, તે આવકાર્ય છે. પરંતુ અંબાલાલ પટેલ સામે ફરિયાદ કરવાની વાત મારી દૃષ્ટિએ ઉતાવળભર્યું પગલું છે. અંધશ્રદ્ધા, જ્યોતિષ અને હવામાન અંગેના વરતારા – આ ત્રણેય બાબતો અલગ છે. અંબાલાલ પટેલની આગાહીને અફવા કહી શકાય નહીં. તેમ છતાં તેમની આગાહીને અફવા તરીકે રજૂ કરવી યોગ્ય નથી.”
પુરુષોત્તમ પીપળીયાએ વધુમાં કહ્યું કે અંબાલાલ પટેલ કોઈની પાસેથી આગાહી બદલ પૈસા લેતા નથી, તેથી તેમની સામે કાયદાકીય ગુનો બનતો નથી. તેમણે ઉમેર્યું, “જો અંબાલાલ પટેલ સામે કોઈપણ પ્રકારનો કેસ કરવામાં આવશે તો અમે તેમની તરફથી કાનૂની લડત લડીશું અને તેનો તમામ ખર્ચ પણ અમે જ ભોગવીશું.”
અંબાલાલ પટેલ અને જયંત પંડ્યાના નિવેદનો બાદ શરૂ થયેલી ચર્ચા હજુ શમી નથી. એક તરફ હવામાન આગાહીની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ અંબાલાલ પટેલના સમર્થનમાં પણ વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા છે.


