દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી
સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં બનેલી ઘટનામાં ઝેરી કેમિકલ ભેળવેલો દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનો પરિવારનો આક્ષેપ, પોલીસે ત્રણ શખ્સોને સકંજામાં લઈને શરૂ કરી પૂછપરછ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાએ માત્ર સ્થાનિક વિસ્તારમાં જ નહીં પરંતુ કોળી સમાજમાં પણ અરેરાટી ફેલાવી દીધી છે. મૃતકોના પરિવારજનોએ આ કેસને માત્ર દારૂના સેવનથી થયેલું મોત માનવાને બદલે, ઝેરી કેમિકલ ભેળવેલો દારૂ પીવડાવી પૂર્વયોજિત રીતે હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસે પરિવારના આક્ષેપોને ધ્યાને લઈ જીણા ભગત નામના શખ્સ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતકોમાં નવાગામ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ. ૫૦) અને કનકનગર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ. ૪૩)નો સમાવેશ થાય છે. બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળેથી દેશી દારૂની ખાલી કોથળી તેમજ થોડો દારૂ ભરેલી બીજી કોથળી મળી આવતા સમગ્ર ઘટનાએ વધુ શંકાસ્પદ વળાંક લીધો છે.
માહિતી મુજબ મનસુખભાઈ ડાભી સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટી-૧૦માં આવેલા તેમના વડીલોપાર્જિત જૂના મકાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેતા હતા. આ મકાનનું રિનોવેશન અને નવું બાંધકામ શરૂ થવાનું હોવાથી તેઓ ત્યાં જ દેખરેખ માટે રોકાતા હતા. રાત્રિના સમયે તેઓ તેમના મિત્ર અલ્પેશભાઈ સાથે ત્યાં હાજર હતા. દરમિયાન બંનેએ દેશી દારૂનું સેવન કર્યું હોવાનું અનુમાન છે. થોડા સમય બાદ બંને અચાનક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મનસુખભાઈના મોટા પુત્ર વિનય ડાભીના જણાવ્યા મુજબ રાત્રે લગભગ ૯:૧૦ વાગ્યે તેમના પિતાએ ફોન કરીને કડિયા ક્યારથી કામે આવશે તે અંગે પૂછ્યું હતું. ત્યારબાદ રાત્રે લગભગ ૯:૩૮ વાગ્યે નાનો ભાઈ નિલેષ ટિફિન આપવા માટે ભગીરથ સોસાયટી સ્થિત મકાને પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં તેણે મનસુખભાઈને બેભાન હાલતમાં જોયા હતા, જ્યારે થોડા અંતરે અલ્પેશભાઈ પણ ઢળી પડેલા દેખાયા હતા. નિલેષે તાત્કાલિક પરિવારને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા.
સ્થળ પર તપાસ કરતાં દેશી દારૂની એક ખાલી કોથળી અને બીજીમાં થોડો દારૂ બાકી હોવાની માહિતી મળી હતી. પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બે મિત્રોના એકસાથે થયેલા મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવમાં મૃતક મનસુખભાઈના પુત્ર વિનય ડાભીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ભગીરથ સોસાયટીની પાછળની શેરીમાં રહેતો જીણા ભગત નામનો શખ્સ દેશી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. થોડા સમય પહેલા પોલીસે મનસુખભાઈ પાસે વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગાર અંગે પૂછપરછ કરી હતી. ત્યારે મનસુખભાઈએ પાછળની શેરીમાં કોઈ શખ્સ આ પ્રવૃત્તિ ચલાવતો હોવાની માહિતી આપી હતી. આ વાતને કારણે જીણા ભગત મનદુઃખ રાખતો હતો. વિનયનો વધુ આક્ષેપ છે કે તેમનું જૂનું મકાન પણ જીણા ભગત લેવા માગતો હતો, પરંતુ પરિવાર દ્વારા રિનોવેશન શરૂ કરાતા તે નારાજ હતો. આ જ અદાવતમાં જીણા ભગતે પોતાના નજીકના માણસ ગણાતા અલ્પેશભાઈ મારફતે મનસુખભાઈ સુધી દેશી દારૂ પહોંચાડ્યો હતો. દારૂમાં કોઈ ઝેરી કેમિકલ અથવા જલદ પ્રવાહી ભેળવવામાં આવ્યું હોવાની તેમને પૂરી શંકા છે. વિનયે તો એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ પણ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મોત થયા હતા, પરંતુ તેમાં હાર્ટ એટેક જેવા તારણો સામે આવ્યા હતા.
પોલીસે પરિવારના આક્ષેપોને ગંભીરતાથી લઈને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર. ચૌહાણ, પીએસઆઇ જે.આર. સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને એસીપી વી.બી. જાડેજાની રાહબરી હેઠળ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને પૂછપરછ માટે સકંજામાં લીધા હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા મુજબ હાલ બંને મૃતદેહોના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. વિસેરા સેમ્પલ સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે જ ચોક્કસ કારણ બહાર આવશે. દારૂમાં ઝેરી કેમિકલ હતું કે અન્ય કોઈ કારણસર મોત થયા તે અંગેનો સ્પષ્ટ ખુલાસો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ થશે. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી દારૂની કોથળીઓ પણ કબ્જે લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપી છે.
મૃતક મનસુખભાઈ ડાભી પરિવારના એકમાત્ર ભાઈ હતા અને તેમને પાંચ પુત્રો છે. તેઓ યાર્ડમાં તેમજ ઇમિટેશન કામમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અવસાનથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ અલ્પેશભાઈ સાબરીયા ચાર ભાઈઓમાં સૌથી નાના હતા અને અવિવાહિત હતા. તેઓ પણ છૂટક મજૂરી કામ કરતા હતા. તેમના મોતથી પરિવારજનો શોકમગ્ન બન્યા છે.
આ બનાવે ફરી એકવાર શહેરમાં ચાલી રહેલા દેશી દારૂના કાળા કારોબાર અને ઝેરી દારૂના જોખમ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો સમયસર આવા તત્વો સામે કડક કાર્યવાહી થાત, તો કદાચ બે પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો ન આવ્યો હોત. હાલમાં સમગ્ર શહેરની નજર હવે ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસ તપાસના અંતિમ તારણો પર ટકેલી છે.
બોક્સ : 1
પુત્રનો ગંભીર આક્ષેપઃ મારા પિતાને ઝેરી દારૂ પીવડાવી મારી નાખ્યા
મૃતક મનસુખભાઈ ડાભીના પુત્ર વિનય ડાભીએ આક્ષેપ કર્યો હતો કે જીણા ભગત નામના શખ્સ સાથે તેમના પિતાને જૂનું મનદુઃખ ચાલતું હતું. વરલી મટકાના જુગાર અંગે પોલીસે પૂછપરછ કરતાં તેમના પિતાએ પાછળની શેરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી આપી હતી. આ બાબતનો ખાર રાખી કેમિકલ ભેળવેલો દેશી દારૂ મોકલી દેવાયો હોવાની પરિવારને પૂરી શંકા છે. પરિવારના આક્ષેપ બાદ પોલીસે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને પૂછપરછ માટે સકંજામાં લીધા છે.
ઘટનાસ્થળેથી શું મળ્યું?
ભગીરથ સોસાયટીના જૂના મકાનમાંથી દેશી દારૂની એક ખાલી કોથળી અને બીજીમાં થોડો દારૂ ભરેલી કોથળી મળી આવી હતી. બંને મિત્રો બેભાન હાલતમાં અલગ-અલગ જગ્યાએ પડેલા મળ્યા હતા. પરિવારજનોએ ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે દારૂના નમૂનાઓ કબ્જે લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.
પોલીસ એક્શનમાંઃ ફોરેન્સિક રિપોર્ટ બાદ થશે મોટો ખુલાસો
બે મિત્રોના શંકાસ્પદ મોત બાદ બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ડીસીપી હેતલ પટેલ અને એસીપી વી.બી. જાડેજાની રાહબરી હેઠળ પીઆઇ જી.આર. ચૌહાણ, પીએસઆઇ જે.આર. સોલંકી અને ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પરિવારના આક્ષેપોના આધારે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી મળેલી દેશી દારૂની કોથળીઓ અને અન્ય પુરાવાઓ કબ્જે કરી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. હવે પોસ્ટમોર્ટમ અને કેમિકલ એનાલિસિસ રિપોર્ટ આવ્યા બાદ મોત ઝેરી દારૂથી થયા કે પાછળ કોઈ કાવતરું હતું તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી છે.


