ચોમાસું હવે મોડું?
ચક્રવાતથી રફતાર અટકી, 3-4 જૂને એન્ટ્રીની શક્યતા
વ્હેલા ચોમાસાની આગાહી ફેલ, હવે ધીમી શરૂઆતના સંકેત : IMD અને હવામાન નિષ્ણાંતોની સતત નજર
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં નૈઋત્ય ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે ચોમાસાની એન્ટ્રીને લઈને અનિશ્ચિતતા વધી રહી છે. અગાઉ હવામાન વિભાગે 26 મે આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશશે તેવી આગાહી કરી હતી, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ચક્રાવાતી સિસ્ટમ અને પવનની દિશામાં આવેલા બદલાવને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. હવે ચોમાસું 3 થી 4 જૂન વચ્ચે કેરળમાં પ્રવેશી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આંદામાન-નિકોબાર અને શ્રીલંકા સુધી વ્હેલી પહોંચેલું ચોમાસું હવે અરબી સમુદ્ર પાસે આવીને અટકી ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી ચક્રાવાતી પરિસ્થિતિએ ચોમાસાના પવનોને પોતાની તરફ ખેંચી લીધા હોવાથી કેરળ તરફ જતા ભેજયુક્ત દક્ષિણ-પશ્ચિમી પવનો નબળા પડી ગયા છે. તેના કારણે ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી બની છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચોમાસાને લઈને નવી અપડેટ જાહેર કરવામાં આવશે. બીજી તરફ સ્કાઈમેટના અધ્યક્ષ જે.પી. શર્માના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત “સોફ્ટ લેન્ડિંગ” જેવી રહી શકે છે, એટલે કે એન્ટ્રી પછી પણ તેની ગતિ નબળી અને ધીમી રહેશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલ ચોમાસાની ચાલ સંપૂર્ણપણે સમુદ્રી હવાઓ પર નિર્ભર બની ગઈ છે. નીચલા સ્તરે ભેજવાળી હવા મજબૂત થવા લાગી છે પરંતુ ઉપરના સ્તરના પવનોની દિશા હજુ અનુકૂળ નથી. આ જ કારણસર ચોમાસાની રફતાર અટકી હોવાનું માનવામાં આવે છે.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે 2026ના ચોમાસાને લઈને પણ ચિંતાજનક આગાહી કરી છે. IMD અનુસાર આ વર્ષે દેશભરમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદ (LPA)ના આશરે 90 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે 96 થી 104 ટકા વરસાદને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે. તે મુજબ 90 ટકા વરસાદનો અર્થ સામાન્ય કરતા ઓછો વરસાદ થાય છે.
હવામાન વિભાગે અગાઉ 92 ટકા વરસાદનું અનુમાન આપ્યું હતું પરંતુ હવે તેમાં ઘટાડો કરીને 90 ટકા સુધી લાવવામાં આવ્યું છે. સુપર અલ-નીનોની અસરને કારણે વરસાદમાં ઘટાડાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેના કારણે કૃષિ, જળાશયો અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ અલગ અલગ રહી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી છે.
બીજી તરફ 29 મે થી 5 જૂન દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ 30 મે થી 4 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે, પરંતુ પિયતની સુવિધા હોય તો જ વાવણી કરવી યોગ્ય રહેશે.
ચક્રાવાતે ચોમાસાની ગતિ રોકી
બંગાળની ખાડીમાં સર્જાયેલી ચક્રાવાતી સિસ્ટમના કારણે ચોમાસાના પવનો ખેંચાઈ જતા અરબી સમુદ્ર તરફથી કેરળ તરફ જતાં ભેજયુક્ત પવનો નબળા પડ્યા છે. પરિણામે ચોમાસું કેરળના કાંઠે આવી અટકી ગયું છે.
90 ટકા વરસાદ એટલે શું?
હવામાન વિભાગ મુજબ લાંબા ગાળાના સરેરાશ વરસાદ (LPA)ના 90 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે 96 થી 104 ટકા વરસાદ સામાન્ય ગણાય છે. 90 ટકા વરસાદનો અર્થ સરેરાશ કરતા લગભગ 10 ટકા ઓછો વરસાદ.
ખેડૂતો માટે ચિંતાના સંકેત
સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીને કારણે ખરીફ પાક, જળાશયો અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને અસર થવાની શક્યતા વધી છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં ચિંતા વધી રહી છે.
“સોફ્ટ લેન્ડિંગ” જેવી રહેશે શરૂઆત
સ્કાઈમેટના અધ્યક્ષ જે.પી. શર્માના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ધીમી રહેશે. ચોમાસું પ્રવેશ્યા બાદ પણ ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ નહીં વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદી માહોલ
30 મે થી 4 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે.
સુપર અલ-નીનોની અસર વધારશે ચિંતા
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સુપર અલ-નીનોના કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. તેના કારણે વરસાદની માત્રા ઘટી શકે છે અને પાણીની સ્થિતિ પર અસર પડી શકે છે.


