ડેકોરા રોડ પર લાંબા સમયથી તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાની મરામત
નવનિયુકત કોર્પોરેટર રક્ષિતભાઇ કલોલાની સુચનાથી પેન્ડીંગ અરજીનો નિકાલ થયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં આવેલ ડેકોરા રોડ અવધ નજીક આવેલ ડેકોરા વોગ પાસે રસ્તા પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટેલું હોવાથી કોર્પોરેશનમાં ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી. છતાં તેનું નિરાકરણ લાંબા સમય સુધી નહી થતા નવનિયુકત નગરસેવક રક્ષિતભાઇ કલોલાને આ અંગે રજુઆત કરતા તાકીદે ભૂગર્ભ ગટરના ઢાંકણાની મરામત કરાવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ અવધ નજીક આવેલ ડેકોરા વોગ પાસેના ડેકોરા રોડ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું. આ રસ્તા પર દૈનિક માણસોને ભારે માત્રામાં અવર-જવર રહેતી હોય છે અને આના કારણે ગંભીર અકસ્માતનો ખતરો પણ રહેતો હોવાથી જાગૃત નાગરિક દ્વારા મનપાની ઓનલાઇન એપ્લીકેશનમાં મરામત માટેની અરજી કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી આ અરજીનો નિકાલ થયો હતો. નહી અને લોકોને અકસ્માતના ભય હેઠળ ત્યાંથી નીકળવું પડતું હતું.
આ અંગે નવનિયુકત કોર્પોરેટર રક્ષિતભાઇ કલોલાને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ લઇ રક્ષિતભાઇ કલોલાએ મનપાના અધિકારીઓને સૂચના આપી તાત્કાલીક ભૂગર્ભ ગટરના ઢાંકણાની રીપેરીંગની કામગીરી કરાવી હતી. ભૂગર્ભ ગટરની સમસ્યા હલ થતા સ્થાનિકો અને રાહદારીઓએ નવનિયુકત કોર્પોરેટર રક્ષિતભાઇ કલોલાનો આભાર વ્યકત કર્યો હતો.


