નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો
ત્રિકોણબાગથી મેઇન બજારમાં રોડ-શોનું આયોજન : રાત્રે પ્રબુધ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ : વિવિધ કાર્યાલયની મુલાકાત લેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટના ગઢમાં ઉતરશે. આજે સાંજે 5:00 વાગ્યે શહેરના જૂના બજાર વિસ્તારમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
આ રોડ શો શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થશે. જેની શરૂઆત ત્રિકોણબાગથી થશે અને ત્યારબાદ ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર અને બાલાજી મંદિર થઈને પુનઃ ત્રિકોણબાગ ખાતે પૂર્ણાહુતિ થશે. આ રૂટ પર ઠેર ઠેર હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.
રોડ શો દ્વારા જનમેદનીને સંબોધ્યા બાદ નાયબ મુખ્યમંત્રી સ્થાનિક નાગરિકો સાથે બેઠક યોજશે. આ ઉપરાંત, તેઓ 4 વિવિધ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત પણ લેવાના છે.
ચૂંટણીના છેલ્લા દિવસોમાં કાર્યકરોમાં જોમ અને ઉત્સાહ ભરવા માટે હર્ષ સંઘવી વિશેષ માર્ગદર્શન આપશે. ખાસ કરીને છેલ્લી ઘડીના પ્રચારમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રણનીતિની સમીક્ષા પણ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ જણાવ્યું છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર ખુબ જોર શોરથી ચાલી રહ્યો છે, કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા પ્રચારના વિવિધ માધ્યમોથી ઘર ઘર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તેમના ઉત્સાહમાં વધારો કરવા અને ચુંટણી પ્રચારની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી જયારે રાજકોટના પ્રવાસે છે ત્યારે રાજકોટના વોર્ડ નં. ૧૦, ૧૧,૧૨,૧૪ અને ૫ ના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત જવાના છે અને ત્યાંઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂબરૂ મળી તેમના ઉત્સાહમાં વધારો કરી વધુ જનુનથી કામે લાગી જવા હાકલ પણ કરશે.


