જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૭૦૦૦ આસામીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડની ચેતવણી : ચોમાસા પૂર્વ કામગીરી કરવા કડક સૂચના
રાજકોટની આકાશદીપ, એમઆઇજી, લક્ષ્મીવાડી, હસનવાડી, હુડકો કોલોની, આનંદનગર યોજનાનો સમાવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને કારણે સર્જાતી દુર્ઘટનાઓ રોકવા માટે આકરા પગલાં લેવાનું શરૂ કરાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ સહિતના 12 જિલ્લામાં જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી આવાસ યોજનાના 7000 પરિવારને નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ આવાસધારકને ચોમાસા પૂર્વે મકાનનું રિનોવેશન કરવા અથવા તો ઘર ખાલી કરવા કડક સૂચના અપાઈ છે.
આ કામગીરી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓની ચાર સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા જર્જરિત આવાસોની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં સ્ટિકરો અને નોટિસો ચોંટાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બોર્ડના નિયમ મુજબ, આવાસધારકે પોતાના ખર્ચે રિપેરિંગ કે રિનોવેશન કરાવ્યા બાદ, તે મકાન સુરક્ષિત છે તે અંગેનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ કચેરીમાં ફરજિયાત જમા કરાવવાનો રહેશે.
પ્રથમ તબક્કાની અંદર રાજકોટ શહેરની ડેરી લેન્ડ ખાતેના એલ.આઈ.જી આકાશદીપ આવાસ, એમ.આઈ.જી (જૂના/નવા), લક્ષ્મીવાડી કોલોની, હસનવાડી કોલોની અને આનંદનગર ખાતેના ઈ.ડબ્લ્યુ.એસ ગ્રૂપ (એબીસી) તેમજ હુડકો કોલોનીના મકાનો સહિત પોરબંદર કમલાબાગ અને રાજમહેલ રોડની આવાસો, સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર કોલોની, જૂનાગઢની હવેલીવાડી કોલોની, મોરબી સનાળા રોડ ખાતેની 498 એમ.આઈ.જી કોલોની, જેતપુર (ટાકુડીપરા), વેરાવળ અને ગાંધીધામ (કે.એફ.ટી.ઝેડ કોલોની)ના જર્જરિત મકાનોની અંદર વસવાટ કરતા આવસધારકોને રૂબરૂ જઈને નોટિસ ફટકારવામાં આવી છે. બીજા તબક્કામાં દરેક જિલ્લાની મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી ખાલી કરાવાશે,ત્રીજા તબક્કામાં સરકારની મંજૂરી મળયે ડિમોલિશન કરાશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેર વિજય ગળચરના જણાવ્યા અનુસાર, ચોમાસા પૂર્વે હજુ એક વખત આવાસધારકોને નોટિસ ઈસ્યૂ કરીને ચેતવણી આપવામાં આવશે. આ પછી પણ જો લોકો મકાન ખાલી નહીં કરે તો બીજા તબક્કામાં કડક કાર્યવાહી કરાશે. BPMC એક્ટની કલમ-264 અને 268 મુજબ મ્યુનિસિપલ કમિશનર પાસે જોખમી બિલ્ડિંગો ખાલી કરાવવાની સત્તા હોવાથી, રાજકોટ મનપા (મહાનગરપાલિકા)ની મદદ લઈને આ આવાસો ખાલી કરાવવામાં આવશે. એટલું જ નહીં, જો સરકાર તરફથી મંજૂરી મળશે તો ત્રીજા તબક્કામાં આવા અત્યંત જોખમી મકાનોનું ડિમોલિશન (બાંધકામ તોડી પાડવા) કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
ચેતવણી છતાં લોકો સુરક્ષા પ્રત્યે ઉદાસીન
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત આવાસ ખાલી કરવા કે રિપેરિંગ કરવા માટે 7000 જેટલી નોટિસ તો ફટકારી દેવાઈ છે, પરંતુ સામે પક્ષે આવાસધારકોમાં ભારે નીરસતા જોવા મળી રહી છે. આવાસધારકોએ હજુ સુધી પોતાના મકાનનું રિપેરિંગ કે રિનોવેશન કરાવીને કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટેબિલિટી રિપોર્ટ મેળવ્યો નથી, કે રાજકોટ-ભાવનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં જમા પણ કરાવ્યો નથી. તંત્રની ચેતવણી છતાં લોકો પોતાની સુરક્ષા પ્રત્યે ઉદાસીન જણાઈ રહ્યા છે.


