સૌ.યુનિ.માં દર સોમવારના નો વ્હીકલ ડેના પરિપત્રની અમલવારી, કુલપતિ પગપાળા આવ્યા
વડાપ્રધાનની અપીલને સમર્થન આપી અધિકારીઓ સહિતનાએ ઇંધણની બચત શરૂ કરી : રજીસ્ટ્રાર સિટી બસમાં બેસી ઓફિસ પહોંચ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના બધા ભાવ અને અછતના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે નો પરિપત્ર કર્યો છે. જેની અમલવારીરૂપે કુલપતિ ડૉ.ઉત્પલ જોશી પોતાના બંગલાથી પગપાળા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા તો કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા સિટી બસમાં આવ્યા હતા. કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતાના બંગલાથી 800 મીટર પગપાળા કરીને પોતાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસ પરના અધિકારીઓ અને કર્મચારીઓમાંથી મોટાભાગના ફોર વ્હીલર અને ટુ વ્હીલર લઈને આવ્યા હતા તો કેટલાક ઇલેક્ટ્રિક વાહન લઈને પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, આ એક વૈશ્વિક સમસ્યા છે અને દરેક દેશ ઓછા વતા અંશે તેનાથી પ્રભાવિત થયો છે. વર્તમાન પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી છે જે અપીલમાં આહુતિ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ દર સોમવારે નો વ્હીકલ ડે એ પ્રકારનો પરિપત્ર કર્યો છે. જેના ભાગરૂપે આજે હું પગપાળા આવ્યો છું.
તેમણે જણાવ્યું કે, ઘણી વખત એવું થાય કે દૂર દૂર રહેતા કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળે તો એક બે દિવસમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શોધીને તેમાં જ યુનિવર્સિટી આવવાનું રાખે તેવું બને. આ વૈશ્વિક સમસ્યા કેટલી ચાલશે તે આપણને ખબર નથી પરંતુ આ એક અપીલ છે. જેથી હાલની પરિસ્થિતિમાં ઈંધણનો બચાવ એ જ એક તેનો ઉપાય છે. 140 કરોડની જનતા માત્ર એક દિવસ નો વ્હીકલ ડે અથવા કાર પુલિંગ કે બીજા કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તો મારા ખ્યાલથી તેનો એક મોટો પ્રભાવ પડશે.
જોશીએ વધુમાં કહ્યું કે, ઈલેક્ટ્રીક વ્હીકલ એ પેટ્રોલ અને ડીઝલને બચાવવા માટે સારો વિકલ્પ છે. જેથી જે કર્મચારીઓ પાસે EV કાર કે ટુ વ્હીલર છે તે તેનો ઉપયોગ કરે. જ્યારે માટે અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે જ ઈલેક્ટ્રીક સીટી બસ આવે છે જેથી તેનો ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા પોતાના ઘરેથી સિટી બસમાં યુનિવર્સિટી પહોંચ્યા હતા.


