ફોર્મ ભરવાની મુદતમાં વધારો થતાં RTEનો પ્રથમ રાઉન્ડ 4મેએ જાહેર કરાશે
તા.3૦ એપ્રિલે ફોર્મની ચકાસણી : વાલીઓમાં ઉત્સાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. અગાઉના કાર્યક્રમ અનુસાર 29 એપ્રિલના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવનાર હતી. જોકે, હવે 4 મેના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, RTE અંતર્ગત પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યની 84 હજાર કરતા વધુ બેઠકો માટે બે લાખ કરતા વધુ ફોર્મ ભરાયા બાદ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવાના દિવસે જ મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા RTEમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી RTEમાં પ્રવેશ અપાવવા માટે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરી છે. જેથી હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.
જોકે, ફોર્મ ભરવાની કાર્યવાહી વચ્ચે RTEમાં પ્રવેશ માટે 11 એપ્રિલના રોજ સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો હતો. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના કાર્યક્રમ અનુસાર 29 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરવામાં આવનાર હતી. જોકે, મુદતમાં વધારો કરવામાં આવતા હવે 4 મેના રોજ પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાશે.
RTEના પ્રવેશ માટે જાહેર કરેલા નવા સંભવિત કાર્યક્રમ અનુસાર, 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે. આ સાથે જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી માન્ય- અમાન્ય અંગેની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે, જે 25 એપ્રિલના રોજ હવે પૂર્ણ થશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન જે ફોર્મ રિજેક્ટ થયા હશે તેમને ખુટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સમય અપાશે. ત્યારબાદ 30 એપ્રિલ સુધી આ ફોર્મની ચકાસણી માટેની કાર્યવાહી હાથ પર લેવાશે. ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ 4 મેના રોજ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.


