ધો.૧૦ અને ૧૨ના નાપાસ છાત્રોની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ
૨.૦૭ લાખ વિદ્યાર્થીઓ માટે 3૪ સેન્ટરના ૬૫૧ બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.11મીથી ધો.10 અને 12ના 2.07 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. રાજ્યના કુલ 34 સેન્ટરના 651 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહત્ત્વની વાત એ કે, ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા 14 હજાર વિદ્યાર્થીઓ પણ પોતાનું પરિણામ સુધારવા માટે ફરીવાર પરીક્ષા આપી રહ્યા છે.
ધો.10માં પૂરક પરીક્ષા આપવા માટે સૌથી વધુ 1,23,793 વિદ્યાર્થી નોંધાયા છે. જેની સામે ધો.12માં સાયન્સમાં 30,446 વિદ્યાર્થી નોંધાયા છે. આ જ રીત ધો.12 સામાન્ય પ્રવાહમાં 53,061 વિદ્યાર્થી નોંધાયા છે. આમ, કુલ 2.07 લાખ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે. આ પરીક્ષા પૈકી ધો.10ની પરીક્ષા આજથી લઇને તા.19મી સુધી સવારે 10થી 1.15 સુધી લેવામાં આવશે. આ જ રીતે ધો.12માં ગુરુવારથી 17મી સુધી બપોરે 3થી 6-30 દરમિયાન લેવામાં આવશે.
બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષાના પરિણામથી સંતોષ ન હોય તેમને પરિણામ સુધારવા માટે ફરીવાર પરીક્ષા આપવાની તક આપવામાં આવી છે. જેમાં અંદાજે 14 હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થયા હોવા છતાં પરિણામ સુધારવા માટે ફરીવાર પરીક્ષા આપશે.
પરિણામ સુધારવા માટે ધો.12 સાયન્સમાંથી 11,829 અને ધો.10મામં 2 હજાર અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 400 વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી રહ્યાં છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા આગામી 20મી જૂન સુધી ચાલશે. મહત્ત્વની વાત એ કે, સામાન્ય પ્રવાહમાં સવારે અને બપોરે એમ, બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. આમ, સ્કૂલો શરૂ થતાંની સાથે જ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવતાં અનેક સ્કૂલોમાં ફરીવાર બોર્ડની પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.


