જસદણની યુવતીનું ફેક આઇડી બનાવનાર ખેડાના શખ્સ સામે ગુનો
ઈન્સ્ટાગ્રામમાં જસદણની યુવતીનું ફેક આઈડી બનાવી શખ્સે પજવણી કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઈન્સ્ટાગ્રામમાં જસદણની યુવતીનું ફેક આઈડી બનાવી ખેડાના શખ્સે પજવણી કરતાં જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જસદણ પંથકમાં રહેતી 27 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કઠલાલના પંકજ ડાભી નામના શખ્સનું નામ આપતાં જસદણ પોલીસે બીએનએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે.
આરોપી સાથે અગાઉ તેને સબંધ હતો. જે બાદ આરોપી સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતાં. જે બાદ ગઈ તા.24 ના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં યુવતીના નામનું એક આઇડી બનાવી તેમજ પ્રોફાઇલમાં ફરીયાદીના ફોટાનું ડીપી રાખી તથા બીજી એક આઇ.ડી. પણ યુવતીના નામનુ બનાવી ફરીયાદીનો ફોટો રાખી તે આઈડીમાં ફોલોઅર્સ સાથે મેસેન્જરમાં વાતચીત કરી ફરીયાદી ઉપર દેખરેખ રાખી પીછો કરી પજવણી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ જે.પી.ગોસાઈ અને ટીમે તુરંત જ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


