નાગેશ્વરમાં ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત કુંગશીયા SOGના સકંજામાં
મોરબી રોડ ADB હોટલ પાસેથી ઝડપી લઈ તલાસી લેતા દેશી પિસ્તોલ અને 3 કાર્ટીસ મળી આવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત 9 મેના રોજ થયેલા ફાયરિંગ કેસમાં શહેર SOGને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરે પોતાના પાસે રહેલા બે હથિયાર ભરત કુંગશીયા પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ગત 21 મેના રોજ SOGની ટીમે મોરબી રોડ પર આવેલી ADB હોટલ નજીકથી ભરત કુંગશીયાને ઝડપી પાડી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરત કુંગશીયા વિરુદ્ધ અગાઉથી જ પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ અને મારામારી સહિતના કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, આરોપી બે વખત પાસા હેઠળ પણ જઈ ચૂક્યો હોવાનું પોલીસ રેકોર્ડમાં ખુલ્યું છે. હાલ પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જામનગર રોડ પર આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે પૈસાની લેતીદેતી મુદ્દે થયેલી બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર પર દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. બનાવ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફેથી ફરિયાદ નોંધાવી ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની તપાસ SOGને સોંપાયા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવવા લાગ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રામદેવ ડાંગરે પોતાના બે હથિયાર મિત્ર કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમાને આપ્યા હતા. બંનેએ આ હથિયારો જામનગર રોડ પર પરાસર પાર્ક નજીક પટ્ટ વિસ્તારમાં દાટી દીધા હતા. પોલીસે ત્યાંથી હથિયારો અને જીવતા કાર્ટીસ કબ્જે કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પછી પોલીસે કુલદીપસિંહના ઘરમાં દરોડો પાડતા વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ મામલે અલગથી ગુનો નોંધી પોલીસે અંદાજે રૂ.10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હવે ભરત કુંગશીયાની ધરપકડ બાદ કેસમાં ગેરકાયદે હથિયાર સપ્લાયની સાંકળ વધુ સ્પષ્ટ બની રહી છે. હાલ પોલીસે ભરત કુંગશીયાની સઘન પૂછપરછ શરૂ કરી છે. હથિયાર તેણે કોની પાસેથી મેળવ્યા, કેટલા રૂપિયામાં ખરીદ્યા અને અન્ય કોઈ શખ્સોને સપ્લાય કર્યા છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ ગેરકાયદે હથિયારો અંગે પણ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ફાયરિંગ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ ચાર ગેરકાયદે હથિયાર અને એક લાયસન્સવાળું હથિયાર મળી કુલ પાંચ હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ હવે ગેરકાયદે હથિયાર સપ્લાય કરતી ગેંગ સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ કરી રહી છે.


