લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ વડાપ્રધાનના “મન કી બાત” કાર્યક્રમમાં ચમકી
દેશની પાંચ કલબમાં રાજકોટનો સમાવેશ કરતા વડાપ્રધાન
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપિત તેમજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રોત્સાહિત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે એક વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. તા. 31 મે 2026 ના રોજ પ્રસારિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં તેમણે ખગોળ વિજ્ઞાનના ભારતીય વારસા તેમજ હાલના સમયમાં દેશમાં કાર્યરત એસ્ટ્રોનોમી ક્લબો વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે આખા ભારતમાંની 5 ક્લબોને બિરદાવી હતી જેમાં ગુજરાતમાંની માત્ર એક- લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ પ્રવૃતિઓ હતી. વડાપ્રધાને યુવાનોને પોતાની નજીકની એસ્ટ્રોનોમી ક્લબમાં જોડાવા અને ભારતના ખગોળ વિજ્ઞાનના ભવ્ય વારસાને જાણવા તેમજ આગળ વધારવા અનુરોધ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ 2003 થી કાર્યરત છે અને આજ સુધીમાં લગભગ 2,75,000 લોકોને આકાશદર્શન કરવી ચૂકી છે. સંસાધનોની તેમજ સભ્યોની સુસજ્જતાની દ્રષ્ટિએ આ ક્લબ ભારતનીજ નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ક્લબની સમકક્ષ છે. ગત વર્ષ જુલાઈ મહિનામાં ISRO દ્વારા આ ક્લબને “ISRO certified Space Tutor”ની માન્યતા મળી હતી. ધ ઇંડિયન પ્લાનેટરી સોસાયટી, મુંબઈના પ્રમુખ અને વિશ્વવિખ્યાત ખગોળવિદ એવા ડૉ. જે. જે. રાવલ તેમજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના યુવા વૈજ્ઞાનિક ડૉ. વિશાલ જોશી માર્ગદર્શક તરીકે આ ક્લબને પ્રારંભથી તેમના જ્ઞાનનો લાભ આપતા રહ્યા છે. આ તકે વડાપ્રધાનની આ પહેલને ઝીલી લેતા લોક વિજ્ઞાન કેન્દ્ર સર્વે ખગોળ રસિકોને આ ક્લબનો અને તેની પ્રવૃતિનો ભાગ બનવા આમંત્રણ પાઠવે છે.


