ગીર જંગલમાં સિંહોના શંકાસ્પદ મોત, તાકડો સાંધતા તબીબ
વન વિભાગના ૧૨ વેટરનરી ડોકટરોએ સરકારનું નાક દબાવ્યુ, રાજીનામા
GPSC કલાસ-૨ના નવા ભરતી નિયમોનો વિરોધ, એક મહિનાનો નોટીસ પિરિયડ પૂર્ણ કરી તા.૧૫ જૂનથી ફરજમુકત થશે
સામુહિક રાજીનામા ધરી દેતા જીવલેણ બિમારી સામે સંઘર્ષ કરતા એશિયાઇ શાન સિંહો ભગવાન ભરોષે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક લેખિત રાજીનામા ધરી દીધા છે. હેઠળ ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારોમાંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે જ આ વેટરનરી તબીબોએ રાજીનામા આપતા વન્યપ્રાણીઓની સારવાર અને સંભાળ સામે મોટો પડકાર ઊભો થયો છે. કરારની શરતો અનુસાર આ તમામ તબીબો એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરીને આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજમુક્ત થશે.
રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી 18 કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-2)ની ભરતી સામેનો વિરોધ છે. તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન વિભાગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં વન્યપ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય કે વેઇટેજ આપવામાં આવ્યું નથી.
અગાઉ ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક-ગાંધીનગર ખાતે પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં વન્યજીવ અથવા પ્રાણી સંગ્રહાલય ક્ષેત્રના ઓછામાં ઓછા એક વર્ષના અનુભવને ફરજિયાત મહત્વ આપવામાં આવતું હતું. તબીબોની માગ છે કે વર્તમાન ભરતીના નિયમોમાં પણ (રિક્રુટમેન્ટ રૂલ્સ) સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઈએ, જેથી વન વિભાગમાં સેવા આપતા તબીબોની કારકિર્દીને નુકસાન ન થાય. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા આખરે તબીબોએ આ પગલું ભર્યું છે.
વન સંરક્ષક (વન્યજીવ વર્તુળ, જૂનાગઢ) દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકને મોકલવામાં આવેલા પત્રમાં પણ સ્વીકારવામાં આવ્યું છે કે વન્યજીવ સારવારની કામગીરી સામાન્ય પશુચિકિત્સા કરતાં સંપૂર્ણપણે ભિન્ન અને વિશિષ્ટ કુશળતા માંગી લે છે. ગુજરાતના વન વિસ્તારોમાં હાલમાં અંદાજે 891 એશિયાટિક સિંહો ઉપરાંત અનેક વન્યજીવો વસવાટ કરે છે.
રાજીનામા ધરી દેનાર વેટરનરી
| પશુચિકિત્સા અધિકારી | ફરજનું સ્થળ |
| ડો. વિરેન્દ્રગીરી અપારનાથી | અમરાપુર ગીર |
| ડો. જિતેન્દ્રકુમાર ભટોળ | પાલનપુર |
| ડો. અનિરુધ્ધસિંહ ઝાલા | સક્કરબાગ ઝૂ |
| ડો. દર્શિત જાવીયા | સક્કરબાગ ઝૂ |
| ડો. પિયુષ માળવી | જશાધાર |
| ડો. વિશાલ ચાવડા | સિમાર |
| ડો. કુશાંગ મુરબીયા | જામવાળા |
| ડો. વિવેક ચૌહાણ | સાસણ |
| ડો. વિજય ખુંટી | બરડા |
| ડો. સમીર પંડયા | ક્રાંકચ |
| ડો. યશ બારૈયા | વેળાવદર |
| ડો. ધવલ સાવલિયા | વડાળ |
હાલ 2 કાયમી પશુચિકિત્સા અધિકારી હાલ વન વિભાગમાં માત્ર બે કાયમી પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત છે, જેઓ પણ પશુપાલન વિભાગમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા છે. બાકીની તમામ ફિલ્ડ ડ્યુટી, રેસ્ક્યુ ઓપરેશન અને પશુઓના પોસ્ટમોર્ટમ જેવી જોખમી કામગીરી આ 12 કરાર આધારિત તબીબો સંભાળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓને કારણે હાલમાં કોઈ પણ તબીબ આ મામલે મીડિયા સમક્ષ ખુલીને બોલવા તૈયાર નથી.
MP પરિમલ નથવાણીની વનમંત્રીને રજૂઆત
ગીર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયાના કારણે 8 કે તેથી વધુ સિંહોના મૃત્યુના અહેવાલો અંગે રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિંહોના મૃત્યુ અટકાવવા અને રોગચાળાને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાને તાત્કાલિક અસરથી પત્ર લખીને વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવા વિનંતી કરી છે.
રાજય સરકારની હાઇ-લેવલની બેઠક
અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ, વન પર્યાવરણ અગ્ર સચિવ અને મુખ્ય વન સંરક્ષક જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અધિકારીઓ દ્વારા ગીર વિસ્તારમાં થયેલા સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે માહિતી આપી હતી કે 4 સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે.ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી.


