ગાંધીગ્રામમાં 320.66 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી: ગાંજો અને મોબાઇલ સહિત 21 હજારનો મુદ્દામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નશાખોરી વિરુદ્ધ ચાલી રહેલા Say No to Drugs અભિયાન હેઠળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં નાર્કોટિક પદાર્થોના વેચાણ અને સેવન પર કડક નિયંત્રણ લાવવા પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ વિસ્તારના એસ.કે. ચોક નજીક ગંગેશ્વર મહાદેવવાળી શેરીમાં એક શખ્સ જાહેરમાં ગાંજાના જથ્થા સાથે હાજર છે. આ માહિતીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી નરસિંહભાઈ મૂળજીભાઈ નાગર (ઉંમર 45), રહે. ગાંધીગ્રામ વિસ્તાર, રાજકોટને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 320.66 ગ્રામ ગાંજો અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જે મળી કુલ રૂ.21 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એચ.પી. ગઢવી, પીએસઆઈ વી.ડી. રાવલિયા સહિત પોલીસ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


