જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
જંગલેશ્વર ડિમોલેશન વખતે અધિકારીઓએ માણેલી શાહી મીજબાનીનો આક્રોશ : બિલ પેન્ડીંગ રાખવા અને પૈસા ન ચૂકવવા માંગ : પોલીસ સાથે ઘર્ષણ
સમય મર્યાદા વગરના જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરોએ પુછયા પ્રજાલક્ષી 33 પ્રશ્નો
રોડ રસ્તાના મુદ્દે અધિકારીઓને આડે હાથ લેતા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં.૧૧માં ૨૫ એમએલડી પાઇપલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશનરનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપાનું આજે સમયમર્યાદા વગરનું ઐતિહાસિક જનરલ બોર્ડ મળ્યું હતું. જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડિમોલેશન વખતે તંત્રના અધિકારીઓ ૨૭ લાખનું ફૂડ આરોગી ગયા અંગે હંગામો મચાવ્યો હતો. કાજુ કતરીના પોસ્ટર લઇ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
મનપાની સામાન્ય સભાની શરૂઆતમાં જ ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલના સનસનીખેજ અને આકરા પ્રશ્નોએ ટીપી વિભાગના અધિકારીઓને રીતસર દોડતા કરી દીધા હતા. કેતન પટેલે મુખ્ય ટાઉન પ્લાનિંગ અધિકારીને મનપાના પ્લોટમાં થયેલા દબાણોને લઈને ઘેર્યા હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, મનપાની માલિકીના કુલ કેટલા સરકારી પ્લોટ આવેલા છે, તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ છે અને અત્યાર સુધીમાં દબાણ દૂર કરાયેલા પ્લોટોનું લિસ્ટ શું છે? આ ઉપરાંત કોર્પોરેશનના પ્લોટમાં વર્ષોથી દબાણ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી, તેવા આકરા સવાલો કર્યા હતા. આ સવાલોનો જવાબ આપવામાં ઇન્ચાર્જ ટીપીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને સ્ટેજ પર જ ગેંગેફેફે થઈ ગયા હતા. મેયર દ્વારા પ્લોટનું નામ જણાવવા કહેવામાં આવ્યું ત્યારે પણ ઇન્ચાર્જ ટીપીઓ ચોક્કસ વિગત આપી શક્યા ન હતા અને એક-બે દિવસમાં લેખિત અહેવાલ તૈયાર કરીને જવાબ આપવાનો બચાવ કર્યો હતો.
કોર્પોરેશનના પ્લોટોમાં ઝૂંપડાં તણાઈ ગયા હોવા છતાં તેની કોઈ વિગત અધિકારીઓ પાસે હાજર ન હતી. કેતન પટેલે રેસકોર્સ જેવા પ્રમુખ વિસ્તારમાં પણ આ પ્રકારનું ગેરકાયદે દબાણ હોવાનો દાવો કર્યો હતો, જોકે સિટી ઈજનેર અતુલ રાવલ દ્વારા રેસકોર્સમાં આવું કોઈ દબાણ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં દખલ કરતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જો આપ અમારું ધ્યાન દોરશો તો તેવા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. મેયરે પણ આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ કરી ત્વરિત પગલાં લેવા માટે વહીવટી તંત્રને આદેશો આપ્યા હતા. આવાસ યોજનાના પ્રશ્ન સંદર્ભે સિટી ઈજનેર અને મેનેજર બંનેએ જવાબો આપ્યા હતા. જ્યારે કેતન પટેલે ખાણખનીજ વિભાગનું NOC લેવા અંગેનો પ્રશ્ન પૂછતા અધિકારીઓ પાસે તુરંત કોઈ જવાબ ન હોવાથી બાદમાં લેખિત જવાબ આપવાનું સ્વીકાર્યું હતું.
બીજીતરફ વોર્ડ નં-10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સના ટીલાળાએ પણ શહેરી સુવિધા અને રોડ રસ્તાના મુદ્દે અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શહેરમાં જ્યાં જ્યાં પણ ડીઆઇ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેક્શન આપી દેવાયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કેમ કરવામાં આવ્યું નથી? કેટલા વિસ્તારોમાં પેચવર્ક પૂર્ણ થયું છે અને જ્યાં બાકી છે તે કયા કારણોસર અટક્યું છે? આ પ્રશ્નનો જવાબ સિટી ઈજનેર કુંતેશ મહેતા દ્વારા આપવામાં આવ્યો હતો. આ જ મુદ્દે ચર્ચા આગળ વધતા વોર્ડ 11ના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નખાઈ ગઈ હોવા છતાં સ્થાનિક લોકોને પાણી મળતું ન હોવાની અને રોડ પર મોટા ખાડા હોવાની રજૂઆત થઈ હતી. તેના બચાવમાં અધિકારીએ 25 MLD લાઈનનું કામ પ્રગતિમાં હોવાનું બહાનું કાઢ્યું હતું. જોકે, બાદમાં મનપા કમિશનરે આ બાબતે કડક વલણ અપનાવીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી નિકાલ કરવા માટે આદેશો જારી કર્યા હતા.
આ ઓપન જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ભારે હંગામો અને હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે, મેયર દ્વારા ગૃહ સમક્ષ એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ઓપન બોર્ડ હોવાથી કોઈ સમયમર્યાદા રાખવામાં આવી નથી અને દરેક સભ્યને પૂરતો સમય મળશે, ત્યારબાદ વિપક્ષના સભ્યો શાંત પડ્યા હતા. આ જનરલ બોર્ડમાં પ્રથમવાર એવું બન્યું હતું કે મેયરે પોતે સામેથી કોંગ્રેસના સભ્યોને પેટા પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીપી શાખાના પ્રશ્ન બાબતે કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિ સોલંકીએ જણાવ્યું હતું કે આ વિષય પર અમારો કોઈ પેટા પ્રશ્ન નથી. બોર્ડની કાર્યવાહી દરમિયાન એક તબક્કે પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરીમાંથી હટાવીને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડી દેવામાં આવતા પત્રકારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને તેના વિરોધમાં મીડિયા પ્રતિનિધિઓએ બોર્ડની કાર્યવાહીનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો.
ભાજપના નગરસેવકો દ્વારા પૂછાયેલ પ્રશ્ન
ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા પ્રજાલક્ષી કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કેતન પટેલના 2, સંજય ચાવડાના 3, જ્યોત્સનાબેન ટીલાળાના 3, ડો. રિંકલ મેઘાણીના 2, કિર્તિબા રાણાના 2, મહેશ પીપળીયાના 1, મોહિતસિંહ જાડેજાના 2, સોનલબેન સેલારાના 1, પંકજ લુણાગરીયાના 2, ધૈર્ય પારેખના 1, શૈલેશ વસાણીના 2, રાજુભાઈ અઘેરાના 3, દર્શન પેગ્યાતરના 3, જાનકીબેન કાટોડિયાના 3 અને રક્ષિત કલોલાના 3 પ્રશ્નોનો સમાવેશ થાય છે. એકંદરે, આ જનરલ બોર્ડમાં અધિકારીઓની નબળી તૈયારીઓ અને શાસક પક્ષના જ સભ્યોના આક્રમક વલણને કારણે વહીવટી તંત્ર પણ બરાબરનું ભીંસમાં મુકાયું છે.


