ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો
જૂનાગઢ રેલવે સ્ટેશન બહાર પથ્થરના ઘા ઝીંક્યા ; બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
જૂનાગઢ શહેરમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદે હિંસક વળાંક લેતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. અન્ય યુવક સાથે ભિક્ષાવૃત્તિ કરવા જતી હોવાની બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને પ્રથમ જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોડીનાર તાલુકાના માલચરમ ગામના વતની અને હાલ જૂનાગઢના મેતાનગર વિસ્તારમાં રહેતા ઝરીનાબેન સિકંદર બાનવા (ઉ.વ. 50) પર તેમના પતિ સિકંદરે હુમલો કર્યો હતો. બનાવ વખતે ઝરીનાબેન જૂનાગઢ રેલવે સ્ટેશન બહાર હતા ત્યારે આરોપી પતિ ત્યાં પહોંચી ગયો હતો અને ઉશ્કેરાઈ જઈ મોટો પથ્થર માથામાં ઝીંકી દીધો હતો. હુમલાથી ઝરીનાબેન ગંભીર રીતે ઘવાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઝરીનાબેન પાંચ સંતાનોના માતા છે અને જીવનનિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓ પરિવારના જ એક યુવક શાહરુખ સાથે ભિક્ષાવૃત્તિ કરવા જતાં હતા, જેને લઈને તેમના પતિને લાંબા સમયથી વાંધો હતો. આ મુદ્દે અગાઉ પણ બંને વચ્ચે અનેકવાર તકરાર થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે ઝરીનાબેન ફરી શાહરુખ સાથે બહાર નીકળ્યા હોવાનું જાણ થતાં સિકંદર તેમને શોધવા નીકળ્યો હતો. દરમિયાન જૂનાગઢ રેલવે સ્ટેશન બહાર બંને સામસામે આવી જતાં આરોપીએ ગુસ્સામાં આવી હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળે લોકો એકત્ર થતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ ઘાયલ મહિલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે જૂનાગઢ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુનાની કાર્યવાહી હાથ ધરી તેને કાયદાની ઝપટમાં લેવા તજવીજ શરૂ કરી છે.


