HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
મુંબઈ પોલીસ બની સાયબર ગઠિયાઓએ ફેલાવ્યો ભયનો માહોલ, શેર વેચાવી પ્રૌઢ પાસેથી પડાવ્યા રૂપિયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સાયબર ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સાયબર ગઠિયાઓ સામાન્ય નોકરીયાત અને મધ્યમવર્ગીય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં નાઈટ શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય પ્રૌઢને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ડરાવી-ધમકાવી ઠગ ટોળકીએ 9 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
ઠગોએ પોતાને મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખાવી એટલો માનસિક ત્રાસ આપ્યો હતો કે, પ્રૌઢે પોતાની વર્ષોની બચત સમાન શેર ખોટ ખાઈને વેચી નાખ્યા હતા. આખરે પોતે છેતરાયા હોવાની સમજણ આવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ગાંધીગ્રામ વિસ્તારના ન્યૂ મહાવીરનગરમાં રહેતા પ્રકાશભાઈ ચૌહાણ ખાનગી બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત 1 ફેબ્રુઆરીના રોજ તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સંદીપ’ નામના પોલીસ અધિકારી તરીકે આપી હતી. શરૂઆતમાં જ ઠગે પ્રકાશભાઈને કહ્યું હતું કે, તેમના નામે કેનેરા બેંકમાં એક ખાતું ખોલવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. સાથે જ તેઓ જેટ એરવેઝ સાથે સંકળાયેલા નરેશ ગોહિલ નામના વ્યક્તિ સાથે જોડાયેલા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. અચાનક પોલીસ કાર્યવાહી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો સાંભળીને પ્રકાશભાઈ ગભરાઈ ગયા હતા.
આ દરમિયાન ઠગોએ વધુ વિશ્વાસ જમાવવા માટે પ્રકાશભાઈને વીડિયો કોલ પર બીજા વ્યક્તિ સાથે વાત કરાવી હતી, જેને ‘રાજેશ સર’ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ‘કોલાબા પોલીસ સ્ટેશન’ નામના વોટ્સએપ ગ્રૂપમાં પણ એડ કરવામાં આવ્યા હતા. ઠગોએ સતત પોલીસ કાર્યવાહીનો ડર બતાવી તેમને માનસિક રીતે કાબૂમાં લઈ લીધા હતા. પ્રકાશભાઈ નાઈટ શિફ્ટ પૂર્ણ કરીને ઘરે આવે ત્યારે તરત જ વીડિયો કોલ કરીને તેમની હિલચાલ અંગે પૂછપરછ કરવામાં આવતી હતી. તેમને કોઈ પરિવારજન, પાડોશી કે પોલીસને વાત નહીં કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
ઠગોએ તો એટલી હદે ધમકી આપી હતી કે, “જો તમે કોઈને વાત કરશો તો તમને અને તમારી 75 વર્ષીય માતાને મારી નાખીશું. તમારું ઘર સીલ કરી દેવાશે.” આવી ધમકીઓના કારણે પ્રકાશભાઈ ભારે ભયમાં આવી ગયા હતા.
થોડા દિવસ બાદ ઠગોએ તેમની પાસે બચત અને મિલકત અંગે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે અંદાજે 15 લાખ રૂપિયાના શેર છે. આ સાંભળતા જ ઠગોએ તરત શેર વેચી રૂપિયા ટ્રાન્સફર કરવા દબાણ શરૂ કર્યું હતું.
પ્રકાશભાઈએ ઠગોને જણાવ્યું હતું કે, હાલ શેર વેચવાથી મોટું નુકસાન જશે. ત્યારે ઠગોએ વધુ એક ખોટી વાત કહી હતી કે, તમે જેટલી ખોટ ખાશો તેટલી રકમ મોદી સરકારની સબસિડી દ્વારા પરત મળી જશે. પોલીસ અધિકારી હોવાનું નાટક કરી ઠગોએ એવો વિશ્વાસ ઉભો કર્યો કે પ્રકાશભાઈ તેમની વાતમાં આવી ગયા હતા. અંતે પ્રકાશભાઈએ પોતાના શેર વેચી નાખ્યા હતા. શેર વેચતા તેમને આશરે 6 લાખ રૂપિયાનું નુકસાન ગયું હતું અને હાથમાં 9 લાખ રૂપિયા આવ્યા હતા. ત્યારબાદ ઠગોના કહેવા મુજબ તેમણે અલગ-અલગ બેંક ખાતામાં 8 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
ઠગો અહીં પણ અટક્યા નહોતા. બાદમાં જામીન પ્રક્રિયા અને કેસ બંધ કરવાની વાત કહી વધુ 1 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. સતત કેટલાક દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન પ્રકાશભાઈ સંપૂર્ણપણે ભયના માહોલમાં જીવતા રહ્યા હતા.
પછી જ્યારે પરિવારજનો અને ઓળખીતાઓ સાથે વાતચીત કરતા તેમને સમજાયું કે, તેઓ ‘ડિજિટલ એરેસ્ટ’ નામની સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ત્યારબાદ તેમણે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ વિભાગે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર, વોટ્સએપ કોલ અને ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડીના બનાવોમાં ભારે વધારો થયો છે. ઠગો પોલીસ, CBI, ED અથવા કસ્ટમ વિભાગના અધિકારી બની વીડિયો કોલ કરે છે અને ભયનો માહોલ ઉભો કરી લોકોને પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે. પોલીસ દ્વારા વારંવાર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે કે, કોઈપણ તપાસ એજન્સી વીડિયો કોલ દ્વારા ડરાવીને પૈસા માંગતી નથી.


