છ માસથી પોલીસને ચકમો આપતો લિસ્ટેડ બુટલેગર LCBના સકંજામાં સપડાયો
જામકંડોરણા-ભાણવડના દારૂના ગુનામાં ફરાર આરોપી જેતલસર ચોકડી પાસેથી ઝડપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને મહત્વની સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે લાંબા સમયથી ફરાર ચાલતા લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના મોટા કૌભાંડમાં અગાઉ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 44 લાખનો વિદેશી દારૂ, ચાર વાહનો અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ. 86.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ આગળ વધતા અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાં જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો દીપક લાખા કુંભારાણી છેલ્લા છ મહિનાથી પોલીસથી બચવા ફરાર હતો.
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે જેતપુર નજીક જેતલસર ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી દીપક કુંભારાણીને દબોચી લીધો હતો. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે તેમજ જામકંડોરણા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે જામજોધપુર, જામકંડોરણા અને ભાણવડ પોલીસ મથકોમાં દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત શેઠ વડાલા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઓપરેશન એલસીબી પીઆઈ જે.પી. રાવની દેખરેખ હેઠળ પીએસઆઈ કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, એચ.સી. ગોહિલ અને પી.એન. ભરવાડ સહિતની ટીમે પાર પાડ્યું હતું.


