સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક
નંબર પ્લેટ વગરની થારમાં આવી મહિલાના ઘરે પહોંચી શેરીમાં ગાળાગાળી કરી ધમકી આપી ; છૂટાછેડા બાદ પણ દબાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છૂટાછેડા બાદ પણ એક પૂર્વ પતિએ પોતાની પૂર્વ પત્ની પર દબાણ બનાવી તેને સાથે રહેવા મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ મહિલાએ ઇન્કાર કરતા તેણે ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, શીતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે તેનો પૂર્વ પતિ અલ્તાફ બસીર ખિયાણી અચાનક કાળા રંગની નંબર પ્લેટ વગરની થાર ગાડી લઈને આવી ચડ્યો હતો. ઘરે પહોંચતા જ તેણે શેરી વચ્ચે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી હતી, જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
ફરિયાદ મુજબ, આરોપી અલ્તાફે મહિલાને ખુલ્લી ધમકી આપી હતી કે, “જો તું મારી સાથે પાછી નહીં રહે, તો તારા મા-બાપ અને બાળકોને મારી નાખીશ.” આ ધમકી સાંભળીને મહિલાનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. મહિલાના પિતાએ આરોપીને ત્યાંથી જવા કહ્યું હતું, પરંતુ તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને અશાંતિ ફેલાવતો રહ્યો હતો.
પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન વર્ષ 2015માં થયા હતા, જેમાંથી તેને બે સંતાનો છે. બાદમાં પતિ સાથે મતભેદ સર્જાતા વર્ષ 2023માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં તેણે અલ્તાફ ખિયાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
પરંતુ લગ્ન બાદ થોડા જ સમયમાં બંને વચ્ચે મતભેદો વધતા ગયા અને વારંવાર ઝઘડા થતા રહેતા હતા. પરિણામે, લગભગ છ મહિનામાં જ બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા હતા. છતાં આરોપી મહિલાને ફરી પોતાની સાથે રહેવા માટે દબાણ કરતો હતો.
ઘટનાના દિવસે સાંજે અંદાજે પાંચ વાગ્યાના સુમારે આરોપીએ મહિલાને ફોન કરી તેની હાજરી અંગે જાણકારી મેળવી હતી અને તરત જ તેના ઘરે પહોંચી ગયો હતો. શેરીમાં ચાલી રહેલા હોબાળાને કારણે મહિલાનો ભાઈ પણ વચ્ચે પડ્યો હતો અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો.
આ બનાવને લઈને મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્તાફ બસીર ખિયાણી વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. અને ફરાર આરોપીની શોધખોળ માટે ટીમો કામે લાગી ગઈ છે.પોલીસ તંત્ર દ્વારા આરોપીને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.


