રૂ.૨૮ કરોડના CGST કૌભાંડમાં ઈગલ મોટર્સના સહ-માલિક મનિષ બાવરીયાની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ
માત્ર ₹૧૯ લાખ જમા કરાવી સરકારની લેણી રકમને વિવાદિત બનાવવાની પેરવી કોર્ટે નકારી; તમામ રજૂઆતો અમાન્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્ષ-2015 થી ઈગલ મોટર્સ પ્રા.લી. પાસેથી વેટ અને સી.જી.એસ.ટી.ની 28 કરોડની લેણી રકમ ન ભરતા રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હામાં જેલવાસ ભોગવતા સહ માલિક મનિષભાઈ રસીકભાઈ બાવરીયાની રેગ્યુલર જામીન અરજી રાજકોટના અધિક સેશન્સ જજ સી.જે. પટેલે નામંજુર કરેલ છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, આરોપીઓએ વર્ષ-2005 માં ઈગલ મોટર્સ પ્રા.લી. નામની પેઢી ઉભી કરી ફોર્ડ મોટર્સની કાર અને એસેસરીઝના રીસેલનો ધંધો શરૂ કરેલ છે. આ ધંધા દરમ્યાન વેટ અને સી.જી.એસ.ટી.ની કરોડો રૂપિયાની લેણી રકમ ભર્યા વિના આરોપીઓએ પેઢી બંધ કરી ફડચામાં જવા દીધેલી હતી.
વર્ષ-2015 થી આ પેઢીના ડિરેકટરોને વેટ અને સી.જી.એસ.ટી.એ નોટીસો આપેલ હતી. વર્ષ-2025 સુધી આવી નોટીસોને ગણકાર્યા વિના પેઢીના કૌટુંબિક ડીરેકટરોએ કોઈ જ રકમ ન ભરતા રાજય વેરા અધિકારીએ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદના અનુસંધાને ડી.સી.બી. પોલીસ સ્ટેશને મનિષભાઈ રસીકભાઈ બવારીયા અને જયેન્દ્રભાઈ રસીકભાઈ બવારીયાની ધરપકડ કરેલી હતી. જયેન્દ્રભાઈ બવારીયાએ જામીન અરજી રજુ કરી રજુઆત કરેલી હતી કે તેઓ વર્ષ-2011 માં ડીરેકટર પદેથી નિવૃત થઈ ગયેલ છે.
વર્ષ-2011 સુધી સરકારની લેણી રકમ રૂા.19 લાખ થતી હતી જે રકમ જયેન્દ્રભાઈએ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવેલ હતા. આ મુજબ મનિષભાઈ રસીકભાઈ બવારીયાએ પણ ફક્ત રૂા.19 લાખ જમા કરાવી જામીન માંગતા જણાવેલ હતું કે, હાલની ફરીયાદને સમય મર્યાદાનો બાધ નડે છે. વધુમાં, વર્ષ-2020 માં ઉચ્ચ અધિકારીનો આદેશ હોવા છતા હાલની ફરીયાદ વર્ષ-2025 માં રજુ થયેલ છે.
જેથી તેમને જામીન મળવા જોઈએ.સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ફકત 3 વર્ષથી ઓછી સજાના ગુન્હામાં જ કોર્ટને કોગ્નીઝન્સ લેવા સામે બાધ છે. હાલના કેસમાં હજુ સુધી કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ થયેલ નથી. તેથી કોર્ટ સમક્ષ કોગ્નીઝન્સ લેવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયેલ નથી. આ કારણે આરોપીઓ સામેની તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી આરોપીઓ સામે ફકત 3 વર્ષ સુધીની સજાનો જ ગુન્હો બને છે કે વધુ સજાવાળો ગુન્હો બને છે?
તે કહી શકાય નહી. આ કારણે સમય મર્યાદાનો બાધ હાલના તબકકે કોઈપણ પ્રકારે લાગુ પડતો નથી. વધુમાં રજુઆત કરવામાં આવેલ કે કોર્ટમાં લેખીત ફરીયાદ દાખલ કરવા માટે જ ઉપરી અધિકારીની મંજુરી જરૂરી છે. હાલના કેસમાં પોલીસ તપાસ ચાલુ હોવાથી રજૂ થયેલ ફરીયાદ પોલીસ હકુમત પ્રકારની છે તે પણ તપાસનો વિષય છે. તેથી હાલના કેસમાં ઉપરી અધિકારીની કોઈ મંજુરી જરૂરી નથી.
આ ઉપરાંત આરોપી મનિષભાઈ બવારીયાની વર્તણૂક જોતા તેઓએ આપેલ ચેક રીટર્ન થયેલ છે. આ સમયે તેઓ સ્વતંત્રપણે વહીવટી અને નાણાંકીય વ્યવહારો કરતા હતા. પેઢીના સમગ્ર નાણાંકીય સ્ત્રોતો તેમના એકલાની વ્યવસ્થામાં હોવા છતા અનિચ્છાએ 19 લાખની મામુલી રકમ જમા કરાવી 28 કરોડની લેણી રકમના કેસમાં રેગ્યુલર જામીન માંગવામાં આવેલ છે.
આ વર્તણુક બતાવે છે કે, આરોપીનો ઈરાદો સરકારની મોટી લેણી રકમ ડુબાડવાનો હતો. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ સી.જે. પટેલે આરોપી મનિષભાઈ રસીકભાઈ બવારીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.


