રાજીવ આવાસ યોજનામાં ફાયદો થયો હતો તેને બદલે અહીં પીપીપીના ધોરણે બિલ્ડરને ખટવી દેવાયાના આક્ષેપો
રાજકોટ મનપાએ સાધુ વાસવાણી રોડ પર આવેલ તેમની સરકારી જમીનમાં મફતીયુપરુ ખાલી કરી આ જમીન ખાનગી રાહે પીપીપીના ધોરણે બિલ્ડરને આપી દેતા મનપા તંત્રએ સામેથી નુકશાન વહોર્યાની ફરિયાદ ઉઠવા પામી છે. મહાપાલિકાના એક જ આવાસ અધિકારીએ દસ વર્ષ પહેલા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકા મકાનો મળે તે માટે રાજીવ આવાસ યોજના અમલમાં મુકી હતી. જેમાં મનપાએ રૂ.૧૬ કરોડનો ખર્ચ કયો તે સામે ચાર વિશાળ પ્લોટ અને તે પણ કોમર્શિયલ હેતુના મનપાને મળ્યા જેમાં એક જ પ્લોટની ત્યારે હરાજી કરી તેમાં જ રૂ.૧૯ કરોડ મળ્યા હતા. આમ આ મનપા, પ્રજાજનો, અસરગ્રસ્તો સૌ માટે લાભદાયક યોજનાને પ્રધાનમંત્રી યોજના તરીકે અમલમાં મુકવાને બદલે મનપા સહિત તમામને આશરે રૂ.૨૦૦ કરોડનું નુકશાન જાય તેવી પીપીપી યોજના અમલમાં મુકી છે. જેમાં મોટો આર્થિક વહિવટ થયાની સહજ શંકા જન્મે છે.
મનપામાંથી પ્રાપ્ત વિગત અનુસાર એ વખતે નટરાજનગર વિસ્તારમાં મુખ્ય રોડથી અંદરના ભાગે આશરે ૨૫૦ લોકો જમીન પર રહેતા હતા જે દરેકને મનપાએ ફલેટ બાંધી આપ્યા હતા અને બધાને કાયદેસરના પાક્કા આવાસો આપ્યા હતા. આમ કર્યા બાદ મનપા પાસે આવાસમાં વપરાયેલી જમીન કરતા ચાર-પાંચ ગણી ખુલ્લી જમીન મળી હતી જેમાં એક નાનકડો પ્લોટ પ્રતિ ચો.મી. રૂ.૮૦૦૦ના ભાવે અને તે પણ દસ વર્ષ પહેલા વેચાયો હતો અને રૂ.૧૯ કરોડની આવક થઇ હતી.
આજે તો આ સ્થળે જમીનનો ભાવ રૂ.દોઢ લાખ અને ૨ સાધુ વાસવાણી રોડ પર આશરે રૂ.૨ લાખનો હોવાનો અંદાજ છે. આમ છતાં આ જમીન માત્ર રૂ.3૦-3પ હજાર ચો.મી.ના ભાવથી બિલ્ડરને લ્હાણી કરી છે.
સાગરનગર સહિત લાલપરી કાંઠે કાચા ઝુંપડા, મકાનોમાં કોણે શું કૌભાંડ કર્યુ તેની ઊંડી, સઘન તપાસ કરવામાં ભાજપ અને અધિકારીઓએ ઊંડો રસ લીધો છે. ફટાફટ એક પછી એક પગલા લેવાયા છે અને પોતાના જ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ પક્ષમાંથી હાંકી કાઢયા છે પરંતુ આશરે ૨ કરોડના આ કાંડમાં કડક પગલા લેનાર સત્તાધીશોનું લોહી ૨૦૦ કરોડનું નુકશાન જઇ રહ્યું છે ત્યાં જરા પણ ઉકળતુ નથી બલ્કે આ કાંડ સાકાર થાય તે માટે રસ લેવાયો છે.


