ધ્રોલમાં માનવધર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ
દર્દીઓ માટે મેડિકલ સાધનો વિના મૂલ્યે અપાશે
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ તાલુકામાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર પટેલ યુવા ગ્રુપ-ખારવા સંચાલિત માનવધર્મ ચેરીટેબલ ટ્રસ્ટ (રજી. નં. ઈ/૪૫૭૫/જામનગર) દ્વારા “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના ધ્યેય સાથે એક વિશેષ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા ધ્રોલ તાલુકામાં સૌ પ્રથમ વખત સર્વે જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રાહત દરે ફુલસ્કેપ ચોપડાના વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી મોંઘવારીના જમાનામાં સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ મેળવવામાં આર્થિક બોજ ન નડે.
આ આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓને માત્ર ₹૨૦૦/- ના રાહત દરે ૧૦ ફુલસ્કેપ ચોપડાનો સેટ આપવામાં આવી રહ્યો છે. ચોપડાનો સ્ટોક મર્યાદિત હોવાથી આ લાભ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે આપવામાં આવશે. ચોપડા મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સંસ્થાના નિયમ મુજબ ચાલુ વર્ષના પોતાના પરિણામની (રિઝલ્ટ) ઝેરોક્ષ કોપી સાથે લાવવાની રહેશે. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક કદમ ઉઠાવીને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની યોગ્ય ખાતરી કરીને તેમની શિક્ષણ ફી પણ ભરી આપવામાં આવે છે.
માનવધર્મ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણની સાથે આરોગ્ય ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. અકસ્માત કે બીમારીનો ભોગ બનેલા ગરીબ દર્દીઓ માટે વ્હીલ ચેર, ટોયલેટ ચેર, ચાલવા માટેની ઘોડી (વોકર), ખાસ આરામ બેડ, હવા વાળા ગાદલા તેમજ ઓક્સિજન બોટલ જેવા અનેક જરૂરી સાધનો સંસ્થા દ્વારા તદ્દન વિના મૂલ્યે (મફત) પુરા પાડવામાં આવે છે. આ સાથે સંસ્થા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમો પણ અવારનવાર યોજે છે.
આ તમામ સેવાઓ અને રાહત દરના ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ‘શોપ બિલ્ડીંગ, દુકાન નંબર ૧, પહેલા માળે, ખારવા રોડ, ધ્રોલ (પીનકોડ-૩૬૧૨૧૦)’ ખાતે ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેશ ચીખલીયાના મોબાઈલ નંબર ૯૭૧૪૦ ૨૧૯૪૨ પર સંપર્ક કરવા અને ધ્રોલ તાલુકાના તમામ જરૂરિયાતમંદ પરિવારોને આ સેવાનો લાભ લેવા સંસ્થાના હોદ્દેદારો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.


