વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી
વેરાવળ-પાટણ નગરપાલિકામાં ભાજપને ‘માંડ-માંડ’ બહુમતી, કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યુ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભલે સત્તા જાળવી રાખી હોય પરંતુ અંદરખાને ઉકળાટ અને ગેરસમજણો પાર્ટી માટે ભારે ઘાતક સાબિત થઈ છે. ખાસ કરીને ટિકિટ ફાળવણીમાં છેલ્લી ઘડીએ થયેલા ‘ખેલ’એ આખી ચૂંટણીની દિશા જ બદલી નાખી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
માહિતી મુજબ, ચુંટણી માટે ભાજપ પક્ષે શરૂઆતમાં તૈયાર થયેલ ઉમેદવાર યાદીમાં અંતિમ ક્ષણે કરાયેલા ફેરફારોને કારણે અનેક જૂના કાર્યકરો અને દાવેદારોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. સ્થાનિક સ્તરે વર્ષોથી કાર્યરત નેતાઓને અવગણીને ‘પસંદગીના’ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સંગઠનના મૂળ સ્તરે જ ખાડો પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે, અનેક વિસ્તારોમાં ભાજપના જ કાર્યકરો નિષ્ક્રિય રહ્યા અથવા અંદરખાને વિરોધી વલણ અપનાવ્યું હતુ. આ આંતરિક અસંતોષનો સીધો અસર મતદાન પર પડેલ જોવા મળતો હતો. ગત ટર્મમાં 29 બેઠકો સાથે મજબૂત સત્તા ધરાવતુ ભાજપ આ વખતે 24 બેઠકો પર સીમિત રહી ગયો હતો. એટલે કે સીધું ચાર બેઠકોનું નુકસાન. રાજકીય વિશ્લેષકો માને છે કે, જો ટિકિટ ફાળવણી પારદર્શક અને સમયસર કરવામાં આવી હોત તો ભાજપ આ નુકસાન ટાળી શકત.
ચૂંટણી દરમ્યાન ઘણી જગ્યાએ ‘બળવાખોર’ સ્થિતિ પણ જોવા મળી હતી. ટિકિટ ન મળતાં અસંતોષિત કાર્યકરો દ્વારા અપ્રત્યક્ષ રીતે વિરોધી ઉમેદવારોને મદદ કર્યાના આક્ષેપો પણ ઉઠ્યા છે. આ પ્રકારની આંતરિક ખીચતાણે પાર્ટીની એકજૂટતા પર સવાલ ઊભા કર્યા છે. ખાસ કરીને શરૂઆતથી મતગણતરીમાં ઉતાર ચડાવ વચ્ચે એક સમયે ભાજપ અને કોંગ્રેસ બંન્ને 20-20 બેઠકોની બરાબરીએ આવતા સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભાજપ પાર્ટી માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. અંતે વોર્ડ નં.11 માં થયેલા ક્લીન સ્વીપે ભાજપને 24 બેઠકો સુધી પહોંચાડેલ નહીંતર પાલીકાની સત્તા હાથમાંથી જતી રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.
તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના આ આંતરિક વિખવાદનો પુરેપુરો ફાયદો ઉઠાવ્યો. ગત વખતે 13 બેઠકો ધરાવતી કોંગ્રેસ આ વખતે 20 બેઠકો સુધી પહોંચી, જે ભાજપ માટે ચેતવણી સમાન છે. આ સમગ્ર ઘટનાક્રમ એક જ સંદેશ આપે છે કે પાર્ટી માટે સૌથી મોટો વિરોધી બહારનો નહીં, પરંતુ અંદરનો અસંતોષ બની શકે છે. ટિકિટ ફાળવણીમાં થયેલી ગેરરીતિઓ અને અંતિમ ક્ષણના ‘ખેલ’એ ભાજપને માત્ર બેઠકોમાં નહીં, પણ વિશ્વાસમાં પણ નુકસાન પહોંચાડ્યું છે. હવે પ્રશ્ન એ છે કે, શું ભાજપ આ પાઠમાંથી શીખીને સંગઠનને ફરી મજબૂત બનાવશે કે નહીં?


