આવકવેરા વિભાગના કર્મચારી સંગઠન દ્વારા વૃક્ષારોપણ
પ્લેટીનમ જુબિલી વર્ષની શાનદાર ઉજવણી અંતર્ગત ૭૫ વૃક્ષો વવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન (ITEF). સેન્ટ્રલ હેડ ક્વાર્ટર્સ (CHQ) નવી દિલ્હીના આદેશ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્લેટીનમ જુબિલી’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે ITEF રાજકોટ બ્રાન્ચ દ્વારા બાલભવન ખાતે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ અર્થે ૭૫ વૃક્ષોના રોપણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે રાજકોટના ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સતીશ ગોયલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદહસ્તે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે ITEF રાજકોટ બ્રાન્ચના હોદ્દેદારો દીપક ભટ્ટ, શ્રીકાંત, સમર્થ જોશી તેમજ ITEF હોદ્દેદારોની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. સંસ્થાના આગેવાનોના જણાવ્યા અનુસાર, ITEFની ૭૫ વર્ષની આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફરને પ્રકૃતિના જતન સાથે જોડીને સમાજમાં પર્યાવરણ પ્રત્યે સકારાત્મક સંદેશ આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
આ તકે આવકવેરા વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સુરક્ષાના શપથ લીધા હતા.


