ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ
સ્કૂલ સંચાલકો દ્વારા મેસેજ કરાયા: ૫૦-૫૦ લોકોને મેસેજ કરાયા હોવાની રાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલાઓના નંબર પરથી પ્રચાર કરવા સુધીની ચેષ્ટા કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના દર્શિત જાની પણ ભાજપમાં સક્રિયા છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઇલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગકર્યા છે.
ઇનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની છે. તેમણે ભાજપના પ્રચાર માટે શિક્ષિકાઓના નંબર જાહેર કરવાની વિકૃત ચેષ્ટા કરી છે. સ્કૂલના કર્મચારી રાજેશ જોટવાએ શિક્ષિકાઓ પાસેથી મોબાઈલ જમા કરાવવા માટે માગ્યા હતા. મોબાઈલ લેવા માટે રેખાબેન નામના મહિલાકર્મીને મોકલ્યા હતા.
જ્યારે શિક્ષિકાઓ પાસે ફોન આવ્યો તો ખબર પડી કે તેમના મોબાઈલમાંથી 50-50 લોકોને ભાજપના પ્રચારના મેસેજ પહોંચી ગયા છે અને ઘણાએ તો ફોન અને મેસેજ કરી મતદાર સ્લિપ માગવાનું ચાલુ કરી દીધું છે.
જેમને મેસેજ ગયા તે પૈકીના ઘણા અજાણ્યા તો અમુક વિદ્યાર્થીઓના વાલીઓ છે. આ ઘટનાએ શિક્ષિકાઓને સ્તબ્ધ કરી દીધી હતી જોકે રાજેશ જોટવાએ બધાને મૌન રહેવા કહી દીધું હતું.
ભાજપના આગેવાન દર્શિત જાની અને નિરેન જાની ધંધાકીય રીતે ભાગીદારો છે.


