જેતપુરની રબારીકા ચોકડી પાસે કારની ઠોકરે દાદા-પૌત્રના મોત
ધારેશ્વર સુર્યમંદિરે ઉપવાસના પારણા કરવા જતા સમયે બનેલો બનાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરના રબારીકા ચોકડી પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં દાદા અને પૌત્રના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ધાર્મિક કાર્ય અર્થે જઈ રહેલા પરિવાર પર કાળમુખી કાર ત્રાટકતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરના સરધારપુર ગામના રહેવાસી બચુભાઈ લાલુ (ઉં.વ. 52) અને તેમનો પૌત્ર હરદીપ યુવરાજભાઈ લાલુ (ઉં.વ. 12) બાઈક પર સવાર થઈને ધારેશ્વર સૂર્ય મંદિર જઈ રહ્યા હતા. ધારેશ્વર સૂર્ય મંદિર ખાતે સાડા ત્રણ દિવસના કઠોર ઉપવાસના પારણાં કરવા જતા હતા
પરંતુ વિધિની વક્રતા તો જુઓ, તેઓ રબારીકા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક કારની નીચે આવી ગયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ગમખવાર અકસ્માતમાં 52 વર્ષીય બચુભાઈ અને 12 વર્ષીય હરદીપને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગ નગર પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા આગળની તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના બે સભ્યોના, અને તેમાં પણ દાદા-પૌત્રના સાથે મોત થતા સરધારપુર ગામમાં અને લાલુ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


