નોકરીની લાલચ આપી છેતરપિંડીથી કાગળ પર નોંધાયેલા લગ્નને રદબાતલ ઠરાવ્યા
ગોંડલ ફેમેલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: જામકા પંચાયતને નોંધણી રદ્દ કરવા આદેશ
અગ્ર ગુજરાત, ગોંડલ
કેસની વિગતવાર હકીકત એવી છે કે, મોવિયા મુકામે રહેતા ખુશીબેન ભરતભાઈ ચાંગેલાને તેમના જ ગામના પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ દુદાણીએ સારી નોકરીમાં સેટ કરી દેવાની લાલચ આપી હતી. પ્રતિકે તેણીને ફોસલાવીને અંગત ડોકયુમેન્ટસ મેળવી લીધા હતા અને રાજકોટમાં નોકરી અપાવવાની અને સાથે રહેવાની લાલચ આપી મોવિયાથી કારમાં બેસાડી તેડી ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૩ ના અરસામાં સુરત મુકામે લગ્નવિધી કરવાની છે અને રાજકોટ વકીલ પાસે લગ્નના કાગળોમાં સહી કરવાની છે તેમ જણાવી પ્રતિકે ખુશીબેનની સહી જુદા-જુદા કોરા ફોર્મ અને કાગળોમાં મેળવી લીધી હતી. રાજકોટના એક સ્ટુડીયોમાં બંનેએ માત્ર હાર પહેરીને સાથે ફોટા પડાવ્યા હતા અને ત્યારબાદ પ્રતિક ખુશીને સુરત તેના મામાના ઘરે લઈ ગયો હતો. વાસ્તવમાં, પ્રતિકે તા.૧૯/૦૧/૨૦૨૩ ના રોજ જામકા મુકામે આવેલ નકલંક ધામ, ભુતેશ્વર મંદિરમાં લગ્ન થયા હોવાનું ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઊભું કરી લીધું હતું. આ ખોટા લગ્ન નોંધણી ફોર્મમાં સાક્ષીઓ અને પુરોહીત (દવે હસમુખ દયાશંકર) ની વિગતો પણ પાછળથી વાદીની જાણ બહાર બોલપેનથી ભરી ખોટી રીતે દર્શાવવામાં આવી હતી. પ્રતિકે ખુશીબેનને રાજકોટ ભાડાના મકાનમાં ગોંધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને જુલાઈ-૨૦૨૩ ના અરસામાં રૂપિયા 3,00,000/- માં તેના મામાના દીકરા મયુર પાનસરાને વેચી દીધી હતી. આ સમગ્ર અમાનુષી અત્યાચાર અને લગ્નની છેતરપિંડીની જાણ થતાં ખુશીબેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી અને ગોંડલ કોર્ટમાં હિન્દુ લગ્ન અધિનિયમ-૧૯૫૫ ની કલમ-૧૨ હેઠળ લગ્ન વ્યર્થ ઠરાવવા દાવો દાખલ કર્યો હતો.
આ દાવામાં ખુશીબેને સોગંદ ઉપર જુબાની આપી હતી અને પ્રતિક દુદાણી તેમજ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવનાર વકીલની ઉલટતપાસ કરવામાં આવી હતી. નામદાર કોર્ટ સમક્ષ સચોટ દલીલો કરવામાં આવી હતી કે આ લગ્ન માત્ર કાગળ ઉપર નોંધાયેલ છે, પવિત્ર અગ્નિની સાક્ષીએ કોઈ શાસ્ત્રોકત વિધિ થઈ નથી અને વાદી લગ્ન નોંધણીમાં દર્શાવેલ સ્થળે ક્યારેય ગયા નથી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓ રજૂ કરી વિસ્તૃત કાનૂની દલીલો કરવામાં આવી હતી કે કયા સંજોગોમાં લગ્નને વ્યર્થ ઠરાવી શકાય. આ દલીલો સાથે સહમત થઈને ગોંડલ ફેમેલી કોર્ટના જજ શ્રી ડી.એસ.ઠાકર સાહેબે તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ આ લગ્નને વ્યર્થ (રદબાતલ) ઠરાવતો ઐતિહાસિક અને સીમાચિન્હ રૂપ હુકમ ફરમાવ્યો છે. નામદાર કોર્ટે આ હુકમની જાણ જામકા ગ્રામ પંચાયતને કરી નોંધણી રદ કરવાનો આદેશ પણ કર્યો છે.
ખુશીબેન ચાંગેલા વતી ભંડેરી એડવોકેટસ ગોંડલના વકીલશ્રી નિરંજય એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર, શિવલાલ પી. ભંડેરી તથા પ્રગ્ના એન. ભંડેરી તેમજ ઈન્ટર્ન લો સ્ટુડન્ટ સહાયક તરીકે ઉદીત આંબલીયા તથા આયુષ હૂમર રોકાયેલ હતા અને ન્યાયની આ લડતમાં જહેમત ઉઠાવી હતી.


