ખાખડાબેલામાં ક્ષત્રિય યુવાનની હત્યા કરનાર બંને શખ્સોને ભાયાવદર પોલીસ ઝડપી લીધા
પોક્સો કેસના વિવાદમાં રચાયું હતું હત્યાનું કાવતરું, મનાલીથી આવી અંજામ અપાયો ; રાજસ્થાન બોર્ડર પરથી આરોપીઓ દબોચાયા; ત્રણ છરી અને બંને કાર કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે થયેલી ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ જાડેજાની ઘાતકી હત્યાના કેસમાં રાજકોટ રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાના બનાવ બાદ ફરાર બનેલા બંને આરોપીઓને પોલીસે રાજસ્થાન-ગુજરાત બોર્ડર નજીકથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ છેલ્લા એક વર્ષથી પોક્સો અને દુષ્કર્મના ગુનામાં ફરાર રહી કચ્છ, રાજસ્થાન અને મનાલી સહિતના વિસ્તારોમાં છુપાઈને રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મૃતક યુવરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) ખાખડાબેલા ગામે રહેતા હતા અને રાજકોટમાં અયોધ્યા ચોક નજીક વાહન લે-વેંચ, સીઝિંગ અને રિકવરીનો વ્યવસાય કરતા હતા. બુધવારે રાત્રે ગામ નજીક તેમની હેરિયર કાર પાસે અજાણ્યા શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી તેમની હત્યા કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવરાજસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
હત્યા બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જતા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક વિશેષ તપાસ ટીમ રચી હતી. ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એલસીબી, સાયબર સેલ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન ભાયાવદર પીએસઆઈ એ.બી. જાડેજાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બંને આરોપીઓ બનાસકાંઠા તરફ રાજસ્થાન બોર્ડર નજીક છુપાયા છે. જેના આધારે પોલીસ ટીમે મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે દરોડો પાડી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજાને ઝડપી રાજકોટ લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2024 દરમિયાન બંને આરોપીઓ સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. તે બાદ તેઓ કચ્છ ભાગી ગયા હતા અને ત્યાંથી રાજસ્થાન, મનાલી સહિતના વિસ્તારોમાં ઓળખ છુપાવી ફરતા રહ્યા હતા. દરમિયાન મૃતક યુવરાજસિંહ સાથે સમાધાનની વાતચીત ચાલી રહી હતી, પરંતુ કોઈ રસ્તો ન નીકળતાં બંને આરોપીઓએ હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ મુજબ બંને આરોપીઓ મનાલીથી કચ્છ આવ્યા બાદ મિત્રની બ્રેજા કાર લઈ ખાખડાબેલા પહોંચ્યા હતા. ગામના પાદર નજીક રાત્રે આશરે આઠ વાગ્યે યુવરાજસિંહની હેરિયર કારને ટક્કર મારી તેમને નીચે ઉતરવા મજબૂર કર્યા હતા. ત્યારબાદ બંનેએ છરી વડે હુમલો કરી યુવરાજસિંહને નવ જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે હત્યામાં વપરાયેલી ત્રણ છરી, બંને કાર, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. આરોપીઓને રિમાન્ડ પર લઈ અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપી મહેન્દ્રસિંહ મોબાઇલનો ઉપયોગ ટાળતો હતો અને પોતાના ઓળખીતાઓના 50થી વધુ નંબર મોઢે યાદ રાખતો હતો. જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે અજાણ્યા લોકોના મોબાઇલમાંથી પરિવારજનો અથવા મિત્રોને ફોન કરી તેમના ગૂગલ પે પર રૂપિયા મંગાવતો હતો. જેથી પોલીસને ટેકનિકલ રીતે ટ્રેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
હત્યાના કેસમાં આરોપીઓ લાંબા સમય સુધી ઝડપાયા ન હોવાથી રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પણ ગંભીર નોંધ લીધી હતી. પ્રાથમિક તપાસમાં વર્ષ 2024ના પોક્સો કેસ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોવાનો ખુલાસો થતાં ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં તે સમયના તપાસનીશ પીઆઈ એચ.એન. રાઠોડ, પડધરી પીઆઈ એસ.એન. પરમાર, બીટ પીએસઆઈ જે.જે. વાળા અને ડી-સ્ટાફ ઈન્ચાર્જ એએસઆઈ ભગીરથસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મનાલીમાં રહેતા દરમિયાન મહેન્દ્રસિંહ હોટલમાં કૂક તરીકે અને યશપાલસિંહ મેનેજર તરીકે નોકરી કરતા હતા. જોકે અંતે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના સંયુક્ત ઓપરેશનથી બંને આરોપીઓ કાયદાની ઝપેટમાં આવી ગયા છે.


