હોડથલી ગામની સીમમાં જમીન વિવાદમાં વકીલ પર શેઢા પાડોશીનો હુમલો
પત્નીની જમીનમાં માટી કાઢતા સમયે રોકતા આરોપી ઉશ્કેરાયો : મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીકના હોડથલી ગામની સીમ વિસ્તારમાં જમીન વિવાદને લઈને એક વકીલ પર પડોશી ખેડૂતે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નાના મવા મેઈન રોડ સ્થિત ફૂલવાડી પાર્કમાં રહેતા અને વકીલાત કરતા વિજયભાઈ રવજીભાઈ તોગડીયા (ઉંમર 47) એ ફરિયાદ નોંધાવી છે. તેમની પત્ની વર્ષાબેનના નામે હોડથલી ગામે આવેલી ખેતીની જમીન છે. ગઈ તા. 22ના રોજ સવારે પરિવાર સાથે ગામે જતાં તેમને જાણ થઈ કે તેમની જમીનમાં જેસીબી અને ટ્રેક્ટરથી માટી કાઢવામાં આવી રહી છે. આ જાણકારી મળતાં વિજયભાઈ નજીકના ખેડૂત સાથે ખેતર પર પહોંચ્યા હતા. ત્યાં જોવા મળ્યું કે બાજુની જમીન ધરાવતા ઘનશ્યામ કરશન હુંબલ પોતાની જમીનમાં માટી નાખવા માટે ફરિયાદીની જમીનના પાણીના ધોરીયામાંથી માટી કાઢી રહ્યો હતો. આ અંગે વિજયભાઈએ વિરોધ નોંધાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
ફરિયાદ અનુસાર, ઘનશ્યામ હુંબલે ગાળો બોલી બોલાચાલી શરૂ કરી અને બાદમાં ઢીકા-પાટુનો માર મારી હુમલો કર્યો હતો. ઉપરાંત, ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ બાદ વિજયભાઈએ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને જમીન વિવાદને કેન્દ્રમાં રાખી બનેલા આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


