ઉનાના જૂના ઉગલામાં દીપડાનો હુમલો, વાડીમાં કામ કરતી મહિલા ઘાયલ
કાન અને હાથમાં ઈજા, ઉના હોસ્પિટલમાં સારવાર હેઠળ, પાંજરું ગોઠવવાની સ્થાનિકોની માગ
અગ્ર ગુજરાત, ઉના
ઉના નજીક આવેલા જૂના ઉગલા ગામની સીમમાં મોડી સાંજે દીપડાએ હુમલો કરતા વાડીમાં કામ કરી રહેલી 48 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટના આજે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. જૂના ઉગલા ગામની સીમમાં આવેલી વાડીમાં વનિતાબેન કિશોરભાઈ નંદવાણા(ઉ.વ. 48) તુવેરની સાંઠી ભેગી કરી રહ્યા હતા. તે સમયે ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલામાં વનિતાબેનના કાન અને હાથનાભાગે ઈજાઓ પહોંચી હતી.હુમલા સમયે વાડીમાં વનિતાબેન ના પરિવારજનો ઉપરાંત 14 જેટલા શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા. વનિતાબેનની ચીસો સાંભળીને બધા દોડી આવ્યા હતા. શ્રમિકોએ હિંમત દાખવી પથ્થરમારો કરતા દીપડો વનિતાબેનને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. જો શ્રમિકો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ઘટના બાદ ઈજાગ્રસ્ત વનિતાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.જૂના ઉગલા ગામ ગીરના જંગલને અડીને આવેલું હોવાથી આ વિસ્તારમાં દીપડા અને સિંહની અવરજવર સામાન્ય બાબત છે. શિકારની શોધમાં દીપડો વાડી વિસ્તારમાં ઘૂસી આવ્યો હોવાનું અનુમાન છે.
આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ભયનો માહોલ છે. દિવસે પણ દીપડાની અવરજવર રહેતી હોવાથી વાડી માલિકો અને શ્રમિકો ખેતરમાં કામ કરવા જતા ડરી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગપાસે તાત્કાલિક અસરથી હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવે તેવી માગ કરી છે.વનવિભાગ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.


