તરઘડીમાં વૈભવી મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
રાજકોટના સોની વેપારી, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સહિત છ શખ્સો એલસીબીના દરોડામાં ઝડપાયા; રૂ. 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ સામે વધુ એક સફળ કાર્યવાહી કરતાં પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં આવેલી કેસરધાણી હોટલ પાછળના એક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટના જાણીતા સોની વેપારી, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ધંધાર્થી તેમજ અન્ય વેપારીઓનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 6.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત ગ્રામ્ય એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે તરઘડી ગામની સીમમાં કેસરધાણી હોટલ પાછળ આવેલી ગોલ્ડન એંકર સોસાયટીના પ્લોટ નંબર-31માં આવેલા મકાનમાં કેટલાક શખ્સો રૂપિયા લગાવી જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડતાં મકાનમાં જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યાંથી કુલ છ શખ્સોને ઝડપી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું કે તમામ આરોપીઓ રાજકોટના રહેવાસી અને પરસ્પર મિત્રો છે. તેઓ ખાસ કાર લઈને તરઘડી સુધી જુગાર રમવા પહોંચ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ગિરીશ કાનજી ફળદુ (મવડી), મનસુખ હીરાભાઈ વોરા, સોની વેપારી નિલેશ મણીલાલ પાટડીયા, નિતીન ગોવિંદ રામાણી, બાંધકામ ધંધાર્થી નરશી બાબુ ગઢીયા તથા નિકુંજ બાવાલાલ પરસાણાનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ પરથી રૂ. 1.46 લાખની રોકડ, સાત મોબાઈલ ફોન તેમજ એક બ્રેઝા કાર સહિત કુલ રૂ. 6,36,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીથી શહેરની બહાર આવેલા એકાંત વિસ્તારમાં વૈભવી મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત નજર હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે.


