દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો
ગોંડલ તાલુકાના ચોરીના ગુનામાં ફરાર શખ્સને રીબડા ચોકડી પાસેથી ઝડપી ગોંડલ તાલુકા પોલીસને સોંપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકામાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો એક સાગરીત આખરે રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન આરોપીને રીબડા ચોકડી નજીકથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે રૂરલ એલસીબીના પીઆઈ જે.પી. રાવની દેખરેખ હેઠળની ટીમ ફરાર આરોપીઓની શોધખોળમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી ગોંડલ નજીકના વિસ્તારમાં ફરી રહ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસે રીબડા ચોકડી વિસ્તારમાં સાવચેતીપૂર્વક વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે કતારસિંહ ઈશ્વરસિંગ ટાંક (સીકલીગર), રહે. મહેમદાબાદ, જિ. ખેડા,ને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તેની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે અને તે છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
આ સફળ કામગીરી રૂરલ એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા અન્ય સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી પાર પડી હતી. હવે આરોપીની વધુ પૂછપરછ દ્વારા અન્ય ચોરીના ગુનાઓ અંગે પણ મહત્વની માહિતી મળવાની પોલીસને આશા છે.


