મણિમા કન્યા સંસ્કાર કેન્દ્રમાં ‘શી ટીમ’નો સાયબર અવેરનેસ અને આત્મરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ દીકરીઓને સાયબર સુરક્ષા, આત્મરક્ષણ અને 181 અભયમ સેવા અંગે અપાઈ ઉપયોગી માહિતી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત મણિમા કન્યા સંસ્કાર કેન્દ્રમાં તા. 12 જુલાઈ, 2026ના રોજ દીકરીઓની સુરક્ષા, આત્મરક્ષણ અને સાયબર જાગૃતિને કેન્દ્રમાં રાખી વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઈ મહેતાના માર્ગદર્શન તથા સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મિષ્ઠાબેન જોશી અને દર્શનાબેન જોશીના પ્રયાસોથી તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસની ‘શી ટીમ’ના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. પલ્લવીબેન અને 181 અભયમ ટીમના લીડર બીનાબેને દીકરીઓને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ, સાયબર ઠગાઈથી બચવાના ઉપાયો, ઓનલાઈન પ્રાઈવસી જાળવવાની રીતો તેમજ કોઈપણ મુશ્કેલીની સ્થિતિમાં પોલીસ અને 181 અભયમ સેવાનો સંપર્ક કેવી રીતે કરવો તેની વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપી હતી.
ઉપરાંત આત્મરક્ષણ અંગે પ્રાથમિક માર્ગદર્શન આપી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્કાર કેન્દ્રની તમામ દીકરીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ સાયબર સુરક્ષા અને વ્યક્તિગત સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને વર્તમાન ડિજિટલ યુગના પડકારો સામે સજાગ બનાવી તેમની સુરક્ષા, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસમાં વધારો કરવાનો રહ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ ગુજરાત પોલીસની ‘શી ટીમ’, 181 અભયમ ટીમ તથા તમામ સહયોગીઓનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


