બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
ભાજપના જ કાર્યકરો પર હૂમલો થતાં સમગ્ર સોરઠ પંથકમાં ચકચાર જાગી : હુમલાખોરો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી બે અલગ-અલગ હુમલાની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે ભાજપના બે સક્રિય કાર્યકરો પર જીવલેણ હુમલો થયો છે, જ્યારે બીજી ઘટનામાં બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર અંગત અદાવતમાં પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બંને બનાવોને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે.
બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના બાંટવા શહેરમાં પણ ધોળા દિવસે કાયદાના ધજાગરા ઉડ્યા હતા. બાંટવા નગરપાલિકાના યુવાન પ્રમુખ સુનીલભાઈ જેઠવાણી જ્યારે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રામભાઈ નામના શખ્સે તેના પરિવારજનો સાથે મળી લોખંડના પાઇપ વડે પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુનીલભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં સમગ્ર બાંટવા ગામના વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
હુમલાનો ભોગ બનનાર નગરપાલિકા પ્રમુખ સુનીલ જેઠવાણીએ જણાવ્યું હતું કે ગત 3 તારીખે જ્યારે પોતાની પુત્રીની પરીક્ષા માટે રાજકોટ ગયા હતા, ત્યારે રામભાઈ રાજાભાઈએ ફોન પર તેમને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આજે જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રામભાઈ, તેમનો પુત્ર અને ભાઈ સહિતના શખ્સોએ અચાનક પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
બાંટવા શહેર ભાજપ પ્રમુખ મયુરસિંહ ડોડિયાએ આ હુમલા અંગે પોલીસ પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો સત્તાધારી પક્ષના નગરપાલિકા પ્રમુખ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? તેમણે પોલીસને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે 24 કલાકની અંદર હુમલો કરનાર તમામ આવારા તત્વોની ધરપકડ કરવામાં આવે. અત્યારે સમગ્ર ગામ સુનીલભાઈની સાથે છે અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આ હુમલાનો વિરોધ નોંધાવ્યો છે.
બંગાળની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ધારાસભ્ય વિરુદ્ધની કેટલીક ટિપ્પણીઓને લઈને જૂનાગઢ શહેરમાં વિવાદ વકર્યો હતો. આ વિવાદમાં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ઓડેદરા અને સક્રિય કાર્યકર તુષાર સોજીત્રા પર બાઈક સવાર ત્રણ શખ્સોએ નરસિંહ મહેતા સરોવર નજીક હુમલો કર્યો હતો. જે બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચામાં મહામંત્રી નરેન્દ્ર ઓડેદરાએ જણાવ્યું હતું કે, મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સએપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈએ આવી રીતે હેરાન કર્યો હતો અને સંજયભાઈએ મારો ફોન પણ નહોતો ઉપાડ્યો અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા, એવો મેસેજ મેં ગ્રુપમાં મૂક્યો હતો.
નરેન્દ્ર ઓડેદરાએ વધુમાં જણાવ્યું હતું કે, સંજયભાઈ મણવરનો પહેલા મને મેસેજ આવ્યો કે ‘ભાઈ, તું હવે તારી રીતે સેફ્ટીમાં રહેજે, અમે તને જોઈ લેશું.’ એટલે મેં કીધું હારું, મેં કઈ બહુ જવાબ ન આપ્યો. એ મેસેજ મૂકી દીધા પછી થોડીવાર પછી હું અને મારા મિત્ર, અમે બંને હું એને ઘરે મૂકવા જતો હતો તો મર્કન્ટાઈલ બેંકની સામે ત્રણ જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા.
આવીને એમણે ગાડી ઉભી રાખી એટલે મારા વ્હીલમાં મને એમ થયું કે કદાચ ગાડી અડી હશે, એટલે હું જોવા માટે કે ગાડી અડી છે કે નથી અડી, જેવો જોવા માટે દરવાજામાંથી ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતોને એ બોલ્યો ‘તને અમારા સંજયભાઈ કોરડિયા અને સંજયભાઈ મણવર વિશે બહુ બોલવાની મજા આવે છેને? આજ તો અમને સંજયભાઈ કોરડિયા અને મણવરે કીધું છે કે તમને બેયને મારી જ નાખવા છે.’ તેવી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.


