વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ
મનરેગા કૌભાંડને લઈ તત્કાલીન સરપંચ-ઉપસરપંચ સામે ફરીયાદ નોંધાઈ
મૃતકો અને વિદેશમાં વસતા લોકોના નામે ખોટા જોબકાર્ડ બનાવી સરકારને રૂ.76,684 નું નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે મનરેગા યોજનામાં થયેલા કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વેરાવળ તાલુકા પંચાયતના ટીડીઓ રાજેશ ટીલાવતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી લેખિત ફરિયાદના આધારે તત્કાલીન સરપંચ ગનીભાઈ નુરભાઈ સુમરા તથા ઉપસરપંચ ઈસાભાઈ ઇબ્રાહિમ ચૌહાણ વિરુદ્ધ ગંભીર ગુન્હો નોંધાતા રાજકીય અને ગ્રામ્ય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વર્ષ 2012 થી 2016 દરમ્યાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) હેઠળ વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જેની તપાસ દરમ્યાન સામે આવેલ કે મૃતકો, વિદેશમાં વસવાટ કરતા લોકો, અન્યત્ર નોકરી કરતા લોકો તથા ક્યારેય કામ પર હાજર ન રહેલા વ્યક્તિઓના નામે ખોટી હાજરી દર્શાવી સરકારી રકમ ઉપાડી લેવામાં આવી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે કે ગેરહાજર લોકોના નામે હાજરી રજીસ્ટરમાં ખોટી ઓળખ આપી અને કાવતરું રચી સરકારને રૂ. 71684 નું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચની સીધી સંડોવણી બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ.
અત્રે નોંધનીય છે કે, આ કૌભાંડમાં ખાસ કરીને કેટલાક મૃત વ્યક્તિઓ તેમજ પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે પણ જોબકાર્ડ બનાવી ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સરકારી યોજનાઓમાં પારદર્શિતાના દાવા વચ્ચે બહાર આવેલા આ કૌભાંડથી ગ્રામ્ય વિકાસ યોજનાઓની અમલવારી સામે પણ સવાલો ઉભા થયા છે.
આ કૌભાંડ મામલે પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420, 468, 471 અને 114 મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર નાણાકીય વ્યવહારો, હાજરી રજીસ્ટરો અને મનરેગા સંબંધિત દસ્તાવેજોની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


