RTEમાં ૭3 હજારથી વધુ છાત્રોના પ્રવેશ કન્ફર્મ, ૫૪૦૦૦ અરજી કેન્સલ
ખાલી બેઠકો ભરવા બીજા રાઉન્ડની ચાલતી તૈયારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 2,42,500 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 54,588 અરજીઓ વિવિધ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. ઉપરાંત 2,034 અરજીઓ રિજેક્ટ થતા અંતે 1,85,878 અરજીઓને માન્ય રાખવામાં આવી છે.
RTE હેઠળ રાજ્યભરની અંદાજે 9,500 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ 83,687 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા અત્યાર સુધીમાં 73 હજારથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે. જોકે પ્રથમ રાઉન્ડ બાદ પણ 10,494 બેઠકો ખાલી રહી ગઈ છે. આ બેઠકો ભરવા માટે હવે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમાં રાહ જોતા અરજદારોને તક મળી શકે છે. RTE યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણનો લાભ મળે છે. પ્રથમ રાઉન્ડમાં અનેક ખાલી બેઠકો હોવા છતાં હજારોની સંખ્યામાં અરજીઓ રદ થતાં વાલીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. હવે બીજા રાઉન્ડમાં ખાલી બેઠકો ભરાઈ શકે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


