મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા એક્શનમાં : રાજકોટના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાત લીધી
પાણીના નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા અને તાત્કાલિક કામગીરી અંગે સ્થળ પર જ સમીક્ષા: તમામ વિભાગોને ૨૪ કલાક એલર્ટ રહેવા આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા અને તેના ઝડપી નિકાલની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરની આ સ્થળ મુલાકાત દરમિયાન સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, સિટી એન્જિનિયર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ તથા અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા. તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો, જંકશનો, વરસાદી પાણીના નિકાલ માટેના સ્ક્રીન ચેમ્બર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તેમજ સંવેદનશીલ વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જ્યાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી, ત્યાં પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી મશીનરી, પમ્પિંગ વ્યવસ્થા અને માનવબળ તાત્કાલિક કાર્યરત કરવા કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપી હતી. કંટ્રોલ રૂમમાં નોંધાયેલા કોલ, વૃક્ષ પડવાની ઘટનાઓ અને સ્થાનિકોની ફરિયાદો અંગે વિગતવાર માહિતી મેળવીને જ્યાં જરૂર જણાય ત્યાં વધારાની ટીમો તૈનાત કરવા જણાવાયું હતું.
મ્યુ.કમિશનરે ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને ૨૪ કલાક એલર્ટ મોડ પર રહેવા આદેશ કર્યો છે. તેમજ સ્ક્રીન ચેમ્બરની સફાઈ અને વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ કચરો તુરંત દૂર કરવા સૂચના આપી છે. આ ઉપરાંત તમામ ઝોનના કંટ્રોલ રૂમ સતત સક્રિય રાખી નાગરિકોની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ભાર મુકાયો હતો તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળે તે માટે દરેક શાખા વચ્ચે પરસ્પર સંકલન જાળવી રાખવા જણાવાયું છે.


