ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
પેસેન્જરને ધક્કામુક્કી કરી ખિસ્સામાંથી રોકડ સેરવી લેવાની તરકીબ; રીક્ષા સહિત રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપી હજુ ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરીની ઘટનાને અંજામ આપતી એક શાતિર ટોળકીનો આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે ભાંડો ફોડી બે આરોપીઓને ઝડપી લીધા છે. મુસાફરને નિશાન બનાવી ‘ઉલ્ટી’ થવાનું બહાનું ઊભું કરી ધક્કામુક્કી દરમિયાન રોકડ રકમ ચોરી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવતી આ ગેંગ પાસેથી પોલીસે રીક્ષા સહિત કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ ગત 12 મેના રોજ રાત્રે સ્વાતિ પાર્ક મેઈન રોડ વિસ્તારથી ગોંડલ ચોકડી તરફ જવા માટે એક વ્યક્તિ રીક્ષામાં બેઠા હતા. તે સમયે રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત ત્રણ અન્ય મુસાફરો પણ હાજર હતા. રસ્તામાં ગોંડલ ચોકડી ઓવરબ્રિજ નજીક પહોંચતા વચ્ચે બેઠેલા શખ્સોએ અચાનક ઉલ્ટી થતી હોવાનો બહાનો બનાવી ફરિયાદી સાથે ધક્કામુક્કી શરૂ કરી હતી. બાદમાં તેમને રસ્તામાં ઉતારી દેવામાં આવ્યા હતા. ફરિયાદીએ પોતાનું ખિસ્સું તપાસતાં તેમાં રહેલી રૂ.15 હજારની રોકડ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને પીએસઆઈ વી.જી. ડોડિયાની ટીમે તપાસ દરમિયાન ટેકનિકલ અને માનવ સૂત્રોની મદદ લીધી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભકુલ અંકુભાઈ ચૌહાણ (ઉ.વ.30) અને રાહુલ જતીનભાઈ ચૌહાણ (ઉ.વ.23) નામના બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બજાજ કંપનીની સીએનજી રીક્ષા અને ચોરી થયેલી રોકડ રકમ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં સંડોવાયેલો વધુ એક સાગરીત હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.


