જશાપરમાં પાડોશી પરિવારો વચ્ચે ધીંગાણું, મારામારી બાદ પોલીસ મથકે પણ હોબાળો
યુવતી અંગે કરાયેલી ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ લોહિયાળ અથડામણમાં ફેરવાયો; પોલીસ સાથે પણ ઝપાઝપી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જશાપર ગામે બે પાડોશી પરિવારો વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા મારામારી અને હોબાળાની ઘટના સામે આવી છે. યુવતીના ચારિત્ર અંગે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે શરૂ થયેલી બોલાચાલીએ બાદમાં અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતાં આટકોટ પોલીસે બંને તરફથી ફરિયાદો નોંધી કુલ નવ વ્યક્તિઓ સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ, જશાપરની એક 19 વર્ષીય યુવતીએ આરોપ મૂક્યો છે કે પાડોશમાં રહેતા મયુર પરમાર દ્વારા મોબાઈલ પર વાતચીત દરમિયાન તેના ચારિત્ર અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં યુવતીના પિતા પાડોશીના ઘરે સ્પષ્ટતા માંગવા ગયા હતા, જ્યાં બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે હુમલામાં તેના પિતા અને બહેનને ઈજા પહોંચી હતી.
બીજી તરફ સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, પાડોશી પરિવારની યુવતીઓને તેમના ઘરે આવવા બાબતે સમજાવવા માટે ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીના પિતા લાકડી લઈને આવી હુમલો કરતા ઝઘડો સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાના પડઘા પોલીસ મથક સુધી પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાવવા આવેલા એક શખ્સે પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ફરજમાં અડચણ ઊભી કરી હતી. ઝપાઝપી દરમિયાન એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ અલગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


