રાજયસભામાં ભાજપનો યુવા દાવ
જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ
RSS-ABVP-યુવા ભાજપની કેડરને પ્રાધાન્ય, ઓબીસી-આદિવાસી સમીકરણ પર ભાર
ચાર ઉમેદવારોની પસંદગીથી 2027ની વિધાનસભા ચૂંટણીનું ગણિત સ્પષ્ટ; યુવા નેતૃત્વ, ઉચ્ચ શિક્ષણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને મળ્યું મહત્વ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતની ચાર રાજયસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો ફરી એક વખત રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભાજપે ઉમેદવારી પસંદગીમાં માત્ર ચૂંટણી જીતવાની ક્ષમતા જ નહીં, પરંતુ સંગઠન પ્રત્યેની વફાદારી, આરએસએસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને યુવા ભાજપ જેવા મૂળ કેડર સાથેનો સંબંધ તેમજ યુવા નેતૃત્વને પણ મહત્વ આપ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.
આગામી 18 જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સ્થિતિ છે. વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી આ બેઠકો ભાજપના ખાતામાં જ જશે તે નિશ્ચિત માનવામાં આવે છે. પક્ષે પોતાના ત્રણ વર્તમાન રાજયસભા સભ્યો નરહરી અમીન, રમીલાબેન બારા અને રામભાઈ મોકરીયાને ફરી તક આપવાને બદલે નવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો છે.
ઉમેદવારોની પસંદગી પરથી ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીનું સામાજિક અને રાજકીય ગણિત પણ ગોઠવવાનું શરૂ કર્યું હોવાના સંકેતો મળ્યા છે. પક્ષે ઓબીસી અને આદિવાસી સમાજને વધુ પ્રતિનિધિત્વ આપીને પોતાની પરંપરાગત પાટીદાર વોટબેન્કની સાથે નવા સામાજિક સમીકરણોને મજબૂત કરવાની દિશામાં પગલું ભર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી વર્ગના વધેલા પ્રભાવ બાદ હવે આ અસર રાજયસભાની પસંદગીમાં પણ જોવા મળી છે.
મહેસાણાના રાજુભાઈ શુકલાની પસંદગી દ્વારા ભાજપે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે. કડી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા રાજુભાઈ શુકલા એકમાત્ર 60 વર્ષથી વધુ વયના ઉમેદવાર છે. તેઓ આરએસએસ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.
સૌરાષ્ટ્રમાંથી માનસિંહ પરમાર અને જામખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાને સ્થાન આપીને પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે. સોમનાથ બેઠકના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને માનસિંહ પરમારની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, માત્ર 39 વર્ષના જીતેન્દ્ર કણજારીયા ઓબીસી સમાજમાંથી આવે છે અને ઉચ્ચ શિક્ષિત યુવા ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વધતા પ્રભાવ સામે મુકાબલો કરવા માટે છોટાઉદેપુરના મુકેશ રાઠવાને તક આપવામાં આવી છે. એમ.એ., એમ.એડ. અને એલએલબી જેવી ડિગ્રી ધરાવતા મુકેશ રાઠવા યુવા ભાજપમાંથી આગળ આવ્યા છે અને આદિવાસી વિસ્તારમાં ભાજપના યુવા ચહેરા તરીકે ઉભરી રહ્યા છે.
જો કે ચાર ઉમેદવારોમાં એકપણ મહિલાને સ્થાન ન મળતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજયસભામાં ગુજરાતનું મહિલા પ્રતિનિધિત્વ હવે સમાપ્ત થવાની સ્થિતિ સર્જાઈ છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓને પ્રતિનિધિત્વ ન મળવું ચર્ચાનો વિષય બન્યું છે.
કુલ મળીને ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગઠનમાં વર્ષો સુધી કામ કરનારા, ચૂંટણીમાં પરિણામ આપનારા અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવા કાર્યકરો માટે પક્ષના દ્વાર ખુલ્લા છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનું આ રાજયસભા સમીકરણ ભવિષ્યના રાજકીય ફેરફારોનો સંકેત માનવામાં આવી રહ્યું છે.
* ઓબીસી સમીકરણ પર ભાજપનો ભાર
* બે બેઠકો ઓબીસી વર્ગને મળી
* પાટીદાર પછી ઓબીસી વોટબેન્ક મજબૂત કરવાની રણનીતિ
* સ્થાનિક સ્વરાજ્યની જેમ રાજયસભામાં પણ નવી સામાજિક ફોર્મ્યુલા
રાજુભાઈ શુકલા કેમ ખાસ?
* મહેસાણા જિલ્લાના નેતા
* કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
* આરએસએસ અને સંગઠન સાથે લાંબો સંબંધ
* બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ જાળવ્યું
યુવા સાંસદોની એન્ટ્રી
* જીતેન્દ્ર કણજારીયા – 39 વર્ષ
* મુકેશ રાઠવા – 39 વર્ષ
* બંને ઉચ્ચ શિક્ષિત
* યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો સંદેશ
સૌરાષ્ટ્રને મળ્યું વધારાનું પ્રતિનિધિત્વ
* માનસિંહ પરમારને રાજયસભામાં તક
* જીતેન્દ્ર કણજારીયાનો સમાવેશ
* સૌરાષ્ટ્રના ત્રણ પ્રતિનિધિઓ ઉપલા ગૃહમાં
મહિલા પ્રતિનિધિત્વનો અભાવ
* એકપણ મહિલાને ઉમેદવારી નહીં
* રમીલાબેન બારાને રીપીટ ન કરાયા
* રાજયસભામાં ગુજરાતમાંથી મહિલા સભ્ય નહીં રહે
મુકેશ રાઠવા સામે મોટો પડકાર
* છોટાઉદેપુરના યુવા ચહેરા
* આદિવાસી બેલ્ટમાં જવાબદારી
* ચૈતર વસાવાના પ્રભાવને ટક્કર આપવાનું લક્ષ્ય
ભાજપનો કેડર માટે સ્પષ્ટ સંદેશ
* આરએસએસ, એબીવીપી અને યુવા ભાજપને પ્રાધાન્ય
* સંગઠન માટે કામ કરનારને તક
* ઉચ્ચ શિક્ષણ અને પરિણામ આપવાની ક્ષમતાને મહત્વ
* 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી પેઢીને આગળ


