વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી
અખાત્રીજના પાવન દિવસે ભવ્ય શોભાયાત્રા, બિલેશ્વર મંદિર ખાતે મહાપ્રસાદમાં હજારો ભાવિકો ઉમટયા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ શહેરમાં ભગવાન પરશુરામજી જયંતી ની ઉજવણી પરંપરાગત ઢબે આ વર્ષે પણ વિશેષ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. અખાત્રીજના શુભ દિવસે બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ સુજલ પાઠકની આગેવાની હેઠળ યોજાયેલી આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજ સાથે વિવિધ સમાજોના અગ્રણી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીનો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યારે બહેનો દ્વારા રાસની રમઝટે માહોલને વધુ જીવંત બનાવી દીધો હતો.
શહેરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રાનું ઠેરઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ખાસ કરીને વેરાવળ રેયોન ફેક્ટરી નજીક ભાજપ પરિવાર દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ભગવાન પરશુરામને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાને ભક્તિભાવથી આવકારવામાં આવી.
આ અવસરે ભગવાન પરશુરામની વિશેષ પૂજા-અર્ચના, આરતી તેમજ હોમાત્મક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રાનું સમાપન બિલેશ્વર મંદિર ખાતે થયું, જ્યાં સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધાર્મિક ઉત્સવને સાકાર બનાવ્યો હતો.વેરાવળ બ્રહ્મ સમાજ દ્વારા આ પાવન પર્વ નિમિત્તે ધાર્મિક સાથે સામાજિક એકતાનું પણ ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શિસ્ત અને સામાજિક સૌહાર્દનું સુંદર સંમિશ્રણ જોવા મળતા પર્વને યાદગાર બનાવવામાં આવ્યો.


