અમરેલીના બે નેતા રાજકોટમાં ચૂંટણી લડે તેવા રોમાંચક જંગની શકયતા હવે નહિવત
કોંગ્રેસ વર્કિંગ કમિટિની ગઇકાલથી શરૂ થયેલી ઉમેદવારોની પસંદગી માટેની મેરેથોન બેઠક આજે પણ ચાલી રહી છે અને કોંગ્રેસ માટે દરેક બેઠક પર ઉમેદવારની પસંદ માથાનો દુ:ખાવો બની રહી છે. ખાસ કરીને ગુજરાતની ૧૦ બેઠકોની ગઇકાલે રાત્રે યાદી જાહેર થવાની હતી. તેમાં વિલંબ થયો છે. આજે બપોરે ૧ વાગ્યા સુધી કોંગ્રેસનું હાઇકમાન્ડ યાદી જાહેર કરી શકયુ નથી.
ગઇકાલે સૂત્રોમાંથી જે નામો વહેતા થયા હતા તેમાં ગુજરાતની ૧૦ બેઠકોના સંભવિત નામો બહાર આવ્યા હતા. પરંતુ સુરત બેઠક સિવાય અન્ય નામોમાં હજુ પણ મડાગાંઠ ચાલુ છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના એક સમયના વિપક્ષી નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ લગભગ નક્કી હતું. પાર્ટી તરફથી પરેશ ધાનાણીને ટિકિટ આપવાની તમામ તૈયારીઓ છે. પરંતુ પરેશ ધાનાણી અને તેના ખૂબ જ નિકટના સમર્થકો રાજકોટથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવુ ઇચ્છતા નથી. ખુદ પરેશ ધાનાણીએ પાર્ટી હાઇકમાન્ડને આજે સવારે રાજકોટથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે.
‘અગ્ર ગુજરાત’ દ્વારા પરેશ ધાનાણીના ખૂબ જ નિકટના સમર્થકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી દ્વારા છ મહિના પૂર્વે જ આ બાબતે પરેશ ધાનાણીને જાણ કરવામાં આવી હતી. પરંતુ પરેશ ધાનાણી અને તેની ચૂંટણીની તમામ વ્યવસ્થા સંભાળતા નિકટના સમર્થકોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પાર્ટી તરફથી ગઇકાલ રાત્રે પણ પરેશ ધાનાણીને ચૂંટણી લડવા માટે પ્રદેશ નેતાઓએ તથા રાષ્ટ્રીય નેતાઓએ સમજાવટ કરી હતી. ખાસ કરીને રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું પાર્ટીએ મન બનાવી લીધુ છે. પરંતુ બપોરે ૧૨:૪૫ સુધી પરેશ ધાનાણી તરફથી સતત ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. જો છેલ્લી ઘડીના કોઇ ફેરફાર નહી થાય તો રાજકોટ બેઠક માટે પરેશ ધાનાણીના બદલે અન્ય ઉમેદવાર તરફ નજર દોડાવવી પડશે તેવુ લાગે છે.
અન્ય ઉમેદવારોમાં ડો.હેમાંગ વસાવડા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હોવાથી તેમની શકયતા જણાય છે. આ ઉપરાંત લલીત કગથરાનું નામ પણ ચર્ચાય છે. પરંતુ તે ગત લોકસભાની ચૂંટણીમાં 3.૫૬ લાખ મતથી પરાજીત થયા હોવાથી પાર્ટી તેના વિશે પુન: વિચારણા કરશે કે કેમ તે અંગે સવાલ છે.


