રાજકોટ કોર્ટમાં વકીલોનો ઉગ્ર વિરોધ: બે જજની કોર્ટના બહિષ્કારથી ન્યાયિક કામગીરી ઠપ્પ
કોર્ટના દરવાજા પાસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન; વકીલો કાર્યવાહીથી અલિપ્ત રહેતા કેસોની સુનાવણી પ્રભાવિત, હવે બાર એસોસિએશનની જનરલ બોર્ડ બેઠક પર સૌની નજર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની કોર્ટના બે ન્યાયાધીશોની ગેરવર્તણુકના બાબતે વકીલો દ્વારા ચાલતા વિરોધના ભાગરૂપે આજે વકીલોએ રાજકોટ બાર એસોસીએશનના ઠરાવના અનુસંધાને ઘંટેશ્વર ખાતે આવેલ નવી કોર્ટની બહાર દરવાજા નજીક ભારે સૂત્રોચારો સાથે વિરોધ પ્રગટ કર્યો હતો અને આજના દિવસ માટે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેના કારણે અરજન્ટ કાર્યવાહી ઉપર અસર પડી હતી. આજની વકિલ હડતાલના કારણે કોર્ટની કાર્યવાહી ખોરંભાઈ ગયેલ હતી.
દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ આવતિ કાલે બપોરે એક વાગે બાર એસો.ની જનરલ બોર્ડની બેઠક મળી રહેલ છે. જેમાં હાઇકોર્ટના યુનિક જજ સાથે થયેલ ચર્ચા મુજબ ૧પ દિવસનો સમય અપાયો હોય કામથી હડતાલ સમેટાઇ જવાની સંભાવના છે, જો ૧પ દિવસમાં ઉકેલ ન આવે તો ફકત આગળની કાર્યવાહી નકકી થશે.
રાજકોટ બાર એસોસિયેશનની મળેલ બેઠકમાં નક્કી થયા મુજબ આ અગાઉ હાઇકોર્ટના યુનિક જજ વોરા સમક્ષ રજૂઆત કરવાનું નક્કી થયું હતું અને આ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગનું આયોજન પણ થયેલ પરંતુ તેમાં કોઈ નિવેડો નહીં આવતા વકીલોએ આજે કોર્ટની બહાર મુખ્ય દરવાજા નજીક ભારે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આ બંને જજોની કોર્ટેનો બહિષ્કાર કરી મોટી સંખ્યામાં વકીલોએ સૂત્રોચારો કર્યા હતા.
મળતી માહિતી મુજબ હજુ પણ વિડીયોકોન્ફરન્સના માધ્યમથી આ અંગે એકાદ બે દિવસમાં વાટાઘાટો થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ બારામાં રાજકોટ બાર એસોસિએશને આવતીકાલે જનરલ બોર્ડની બેઠક પણ બોલાવાઇ હોવાનું જાણવા મળે છે. રાજકોટ કોર્ટના બે જજની કોર્ટના બહિષ્કારના મુદ્દે રાજકોટના મુખ્ય બાર એસોસિએશનના ઠરાવમાં ક્લેમ બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, કન્ઝ્યુમર બાર એસોસિએશને પણ સમર્થન આપ્યું છે.
અગાઉ ડિસ્ટ્રિક્ટ જજ અને રાજકોટ જિલ્લાના હાઇકોર્ટના યુનિટ જજની વકીલો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગનું આયોજન કરાયું હતું. પરંતુ આ મીટિંગમા યોગ્ય નિર્ણય નહીં આવતા આજે કોર્ટના મુખ્ય દરવાજા પાસે સવારે ૧૧ વાગ્યે વકીલો દ્વારા સૂત્રોચાર કરી વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
રાજકોટના બે જજની કોર્ટના બહિષ્કારના મુદ્દે બાર. એસો.ના ઠરાવને વિવિધ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે જેમાં રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત નોટરી, રેવન્યુ બાર, મહિલા બાર કન્ઝ્યુમર બાર દ્વારા રાજકોટ બાર એસો.ના ઠરાવને સમર્થન મળેલ છે રાજકોટની મુખ્ય અદાલતો, ફેમિલી બાળઅદાલત સહિતની તમામ કોર્ટોમાં આજે વકીલો દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.


